Archive for October, 2012

અખંડ ભારતના એકમેવ સરદાર

બળવાખોર  વિદ્યાર્થી, બાહોશ બેરિસ્ટર, બળુકા વહીવટદાર, બેજોડ અનુયાયી, બુદ્ધિશાળી  લડવૈયા, બેલેન્સ્ડ રાજકારણી અને બેદાગ નાયબ વડાપ્રધાન. આ બધાં વિશેષણોનું  એકમાત્ર નામ એટલે વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ, એટલે કે ‘સરદાર’. આઝાદી માટે  અંગ્રેજ શાસનનો સૂર્યાસ્ત લાવનાર સરદારે આઝાદી પછી દેશી રજવાડાંનો પણ અસ્ત  આણ્યો. અખંડ ભારતના આર્કિટેક્ટ સરદારનું જીવન આજે પણ દેશના દરેક નાગરિક  માટે પ્રેરણારૂપ છે. સરદારવિદાયનાં ૬૦ વર્ષ નિમિત્તે આ મુઢ્ઢીઊંચેરા  ગુજરાતીને દરેક ગુજરાત તરફથી ભાવભરી અંજલી…

મૈંને  ગાંધીજી કો કહા, મુઝે રાજ ચલાના હૈ, બંદૂક રખની હૈ, તોપ રખની હૈ,  આર્મી રખની હૈ. ગાંધીજી કહતે હૈ કિ કુછ ન કરો, તો મૈં વહ નહીં કર સકતા,  કયોંકિ મૈં તીસ કરોડ કા ટ્રસ્ટી હો ગયા હૂં. મેરી જિમ્મેદારી હૈ કિ મૈં સબ  કી રક્ષા કરું. દેશ પર હમલા હોગા તો મૈં બર્દાશ્ત નહીં કરુંગા કયોંકિ મેરી  જિમ્મેદારી હૈ…મૈંને ગાંધીજી કો કહા, ‘આપકા રાસ્તા અચ્છા હૈ, લેકિન વહાં  તક મૈં નહીં જા પાતા હૂં. – સરદાર વલ્લભભાઈ (૧૬ ફેબ્રુઆરી, ૧૯૪૮)

આઝાદીમળ્યા બાદ અત્યંત ટૂંકા સમયમાં ભારતનાં તમામ દેશી રજવાડાંના  વિલીનીકરણથી ભારતમાં એકચક્રી લોહશાહીની સ્થાપનાનો માર્ગ મોકળો થયો તે  સરદારની શ્રેષ્ઠ સિદ્ધિ લેખાય છે. સરદારની સિદ્ધિનું યથાર્થ મૂલ્યાંકન  કરવું હોય તો તે કામની પરિસ્થિતિ અને રજવાડાંનો થોડો ભૂતકાળ સમજવો જરૂરી  છે. ભારતના ઈતિહાસમાં અઢારમી સદી અંધાધૂંધીનો કાળ છે. મોગલ સામ્રાજ્ય  કબ્રસ્તાન તરફ જઇ રહ્યું હતું અને મરાઠા સામ્રાજ્ય પણ મરણાસન્ન હતું.

આ વાતાવરણનો ગેરલાભ ઉઠાવીને અંગ્રેજોએ મોગલ અને પેશ્વા બંને સામ્રાજ્યોને  સ્મશાને પહોંચાડ્યા અને સંખ્યાબંધ રજવાડાંનો ખુરદો બોલાવીને પોતાની સત્તા  જમાવી. બધાં રજવાડાં હડપ કરી લેવાના ડેલહાઉસીના પ્રયાસોના કારણે ૧૮૫૭નો  બળવો આવી પડ્યો. અંગ્રેજ સરકારે રજવાડાંને ખતમ કરવાના બદલે ખંડિયા બનાવીને આ  નિમૉલ્ય રજવાડાંનાં હાડિંપજરોને જીવતા રાખ્યા. દસેક જેટલાં મોટાં અને  મહત્વનાં રજવાડાંને બાદ કરીએ તો બાકીનાં રજવાડાં અતિશય ટચુકડાં, ગરીબ અને  જુનવાણી હતાં અને અંગ્રેજોના છેલ્લી પાયરીના ગોરા અમલદારોની હાજરીમાં થરથર  ધ્રૂજતા રાજા-મહારાજાઓ, સુલતાનો, નવાબો, નિઝામો પાસે નિષ્પાપ અને ગરીબ  પ્રજાને ત્રાસ આપવા સિવાય બીજી કોઇ સત્તા હતી નહીં.

૧૯૦૫થી શરૂ થયેલા આઝાદી આંદોલનના કારણે અંગ્રેજી રાજવટ નબળી પડવા માંડી.  બીજા વિશ્વયુદ્ધમાં ખોખરી થઇ ગયેલી ઇંગ્લેન્ડની સરકારમાં ભારતમાં અંગ્રેજી  રાજ ટકાવી રાખવાની તાકાત ન હોવાથી ભારતને આઝાદી આપવા સિવાય બીજો રસ્તો ન  હતો. કોમવાદી વૈમનસ્ય પણ પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું અને મુસ્લિમ લીગના  આગ્રહી વલણના કારણે ભારતના ભાગલા પાડવાનો આખરી નિર્ણય લેવાયો.

ભારત પર દાઝે બળતા અંગ્રેજ અમલદારોએ રજવાડાંનો કબજો ભારત-પાકિસ્તાનને  સોંપવાના બદલે તમામ રજવાડાંને આઝાદી અને સાર્વભૌમ સત્તા અપાઇ. ૧૯૪૭ના  વિભાજનમાં ભારતમાં બે ટુકડા થયા તેમ કહીએ તે અર્ધસત્ય છે.  ભારત+પાકિસ્તાન+૫૬૩ રજવાડાં એમ ભારતના કુલ ૫૬૫ ટુકડા કરી નાખ્યા પછી  અંગ્રેજોએ વિદાય લીધી. આવા ખંડિત ભારત-પાકિસ્તાને હંમેશ માટે અંગ્રેજોના  આશ્રિત બનવું પડશે તેવી અંગ્રેજોની ગણતરી સરદારે ઊંધી પાડી દીધી.

રજવાડાંમાં આઝાદી અને સાર્વભૌમ સત્તા ટકાવવાની તાકાત નથી તેના જાણકાર  માઉન્ટબેટને ત્રણ વિકલ્પો સૂચવ્યા: રાજાઓ સ્વેચ્છાએ ભારત કે પાકિસ્તાનમાં  જોડાઇ શકે અથવા લશ્કર – વિદેશી સંબંધો-વાહનવ્યવહાર અને ચલણની સત્તા  ભારત-પાકિસ્તાનની સરહદોને સોંપીને બાકીની તમામ સત્તાઓનો ભોગવટો કરી શકે  અથવા આઝાદ બની શકે.

રજવાડાંની સમસ્યા ઉકેલવા માટે ખાસ ખાતા (સ્ટેટ્સ મિનસ્ટિ્રી)ની સ્થાપના થઇ  અને તેનો વહીવટ સરદારને સોંપાયો. સરદારે પહેલી ચાલમાં આખી બાજી હાથમાં લઇ  લીધી. આ સમસ્યા ઘણી ગૂંચવણવાળી હોવાથી એક વરસ સુધી ભારત સરકાર અંગ્રેજી  રાજવટની સત્તા ભોગવે અને પરિસ્થિતિ યથાવત્ રહે તેવા કરાર (સ્ટેન્ડ સ્ટિલ  એગ્રીમેન્ટ)ની જોગવાઇ તેમણે કરાવી લીધી.

ભારતનાં ભૌગોલિક વિસ્તારમાં આવેલાં તમામ રજવાડાં ભારત સરકાર સાથે જોડાઇ જાય  તે માટે સરદારે તાબડતોબ વાટાઘાટો શરૂ કરી. તમામ રજવાડાંનો દરજજો અને માન  અકરામ જળવાશે, ચાર સિવાયની તમામ સત્તા બધાં રજવાડાં ભોગવી શકશે અને ભારત  સરકાર તેમાં કશી દખલગીરી નહીં કરે તેવી મૌખિક અને લેખિત બાંયધરી આપી. ભારત  જેવા વિશાળ અને ઉદાર રાષ્ટ્રમાં જોડાવાના ફાયદા સમજાવ્યા. છતાં સંખ્યાબંધ  રજવાડાં આડા ફાટયાં.

ત્રાવણકોરના દીવાન રામસ્વામી અને ભોપાલના નવાબ સ્વતંત્ર રહેવા માગતા હતા.  ચેમ્બર ઓફ પ્રિન્સઝના ઉપપ્રમુખ જામસાહેબ તમામ રજવાડાંનું સંગઠન સાધીને  ભારત-પાકિસ્તાન-રાજસ્થાન એવા ત્રણ ઘટક ઊભા કરવાની મથામણ કરતા હતા. ટચુકડા  મુસ્લિમ રાજ્યોને પાકિસ્તાન સાથે જોડાવું હતું. સરહદે આવેલા મહારાજાઓને  જીન્નાહ લલચાવી રહ્યા હતા. છતાં સરદારે અતિશય નરમાશથી જબરદસ્ત સફળતા મેળવી  અને આઝાદી મળી ત્યાં સુધીમાં ભારતના તમામ રજવાડાંએ જોડાણખતને મંજુરી આપી  અને જૈસે થે કરાર પર સહી કરી આપી. માત્ર ત્રણ રજવાડાં બાકી રહી ગયાં.

કાશ્મીરમાં મુસલમાન વસ્તી પર રાજ કરનાર મહારાજા હરિસિંઘ બેમાંથી ક્યાં  જોડાવું તેની અવઢવ અનુભવતો હતો. અતિવિશાળ હૈદરાબાદનો નિઝામ આઝાદ રાષ્ટ્ર  તરીકે બ્રિટિશ કોમનવેલ્થનો સભાસદ બનવા માગતો હતો અને જુનાગઢના નવાબે પોતાના  સિંધી દીવાન શાહનવાઝ ભુટ્ટોની ચડામણીથી પાકિસ્તાન સાથેના જોડાણખત પર સહી  કરી આપી હતી અને જુનાગઢ કાયદેસર રીતે પાકિસ્તાની પ્રદેશ બન્યો હતો. પણ  કાયદાને અભેરાઇ પર ચડાવવાનો રસ્તો અપનાવીને સરદારે તાબડતોબ ફટકો માર્યો.  આરઝી હકુમતની સ્થાપના કરીને જુનાગઢનો કબજો લેવાયો. જનમતથી જુનાગઢ ભારતમાં  સામેલ થયું.

જુનાગઢમાં સરદારે અજમાવેલી તરકીબ જીન્નાહે કાશ્મીરમાં અજમાવી. પાકિસ્તાની  સેનાની આડશ લઇને કાશ્મીરમાં ત્રાટક્યા અને કાશ્મીર લગભગ કબજે કરી લીધું, પણ  ગભરાઇ ગયેલા મહારાજા હરિસિંઘે ભારત સાથેના જોડાણખત પર સહી કરી આપી અને  ભારતીય સેના વિમાન મારફતે કાશ્મીરમાં ઠાલવવામાં આવી. અણીના સમયે આવી  પહોંચેલી ભારતીય સેનાએ પાકિસ્તાનીઓને મારી હઠાવ્યા. આક્રમણખોરોને ખદેડવામાં  આવ્યા પણ પાકિસ્તાની સેના સરહદે આવીને ઊભી.

તે વખતે ભારત અને પાકિસ્તાન બંને દેશોની સેનાના સેનાપતિ જનરલ ઓશીન લેકે  જાહેર કર્યું કે બંને લશ્કરના અંગ્રેજ અફસરો લડાઇમાં ભાગ લેશે નહીં તેથી  ભારત સરકારે નાઇલાજે યુદ્ધબંધી લાદવી પડી. કાશ્મીર આંતરરાષ્ટ્રીય પ્રશ્ન  બન્યો હોવાથી તેનો હવાલો સરદાર પાસેથી લઇને પરદેશ ખાતાને અને વડાપ્રધાન  જવાહરલાલ નેહરુને સોંપાયો.

પાકિસ્તાની આક્રમણ સામે ભારતે સલામતી સમિતિમાં ફરિયાદ નોંધાવી. પરંતુ  અમેરિકા અને બ્રિટન બંનેએ ભારત વિરોધી વલણ અખત્યાર કરવાના પરિણામે આક્રમણ  માત્ર તકરાર બની ગયું અને કાશ્મીરનો સવાલ ગૂંચવાઇ ગયો. મહારાજા હરિસિંઘે  જોડાણખત પર સહી કરી હોવા છતાં નેહરુએ સામે ચાલીને કાશ્મીરમાં લોકમત લેવાશે  અને ત્યારપછી જ જોડાણખતને કાયદેસર બહાલી અપાશે તેવું જાહેર કર્યું (નવેમ્બર  ૧૯૪૭).

રાજાએ કરેલા જોડાણખતને લોકમતની પુષ્ટિ મળવી જોઇએ તેવો નેહરુનો આગ્રહ  હૈદરાબાદના કારણે હતો. નિઝામનું વલણ કળાતું ન હતું પણ પાકિસ્તાન સાથે જોડાણ  કરે તેને લોકમતની મંજુરી મળે તો જ ભારત તેને માન્યતા આપશે તેવો સિદ્ધાંત  નેહરુ સ્થાપવા માગતા હતા. કાશ્મીરમાં લોકમત લેવાય તો પાકિસ્તાનની તરફેણમાં  જાય તે સહુ જાણતા હતા અને જાણે છે પણ હૈદરાબાદમાં નેવું ટકા વસતી હિંદુઓની  હોવાથી લોકમત ભારત તરફી રહે તે સ્વાભાવિક ગણાય.

ભારતનો નકશો જોનાર જાણી શકશે કે કાશ્મીર જાય તો ભારતને નુકસાન જાય પણ  હૈદરાબાદ જાય તો ભારતની છાતીમાં છિદ્ર પડે, પણ હૈદરાબાદનો પ્રશ્ન અલગ રીતે  ઉકેલાયા પછી કાશ્મીરમાં લોકમત લેવાનું વચન ભારત સતત ટાળતું રહ્યું છે.  ૧૯૫૬માં ગૃહમંત્રી પંડિત ગોવિંદ વલ્લભપંતે કાશ્મીરમાં લોકમતની માગણી ફગાવી  દીધી.

આ વિલીનીકરણના પરિણામે ભારતની નાવમાં અંગ્રેજોએ પાડેલાં સાડા પાંચસો કાણાં  પૂરી દેવાયાં. તમામ રજવાડાં અને રાજાઓની સત્તા ખતમ થઇ ગઇ. તેમના મહેલો,  માલમિલકત, ખિતાબો જેમના તેમ રહ્યાં. ભારત સરકારે બાંધી આપેલા સાલિયાણાં  ૧૯૫૦માં સાડા પાંચ કરોડના હતાં. આ સાલિયાણાં ૧૯૭૧-૭૨ની સાલમાં ઇન્દિરા  ગાંધીએ નાબૂદ કરીને સરદારના કામની પૂણૉહુતિ કરી.વિલીનીકરણ ચાલી રહ્યું હતું  ત્યારે સરદારની નજર હૈદરાબાદ પર હતી.

નિઝામે દિલ્હીમાં અને કરાંચીમાં પોતાના રાજદૂતો નિમ્યા. ભારત સરકારે  કનૈયાલાલ મુન્શીને હૈદરાબાદમાં રેસિડન્ટ તરીકે મોકલી આપ્યા. નિઝામે  પાકિસ્તાનને વીસ કરોડની લોન આપી. ગોવા ખરીદી લઇને હૈદરાબાદને બંદરી રાજ્ય  બનાવવાની કોશિશ કરી. પરદેશથી શસ્ત્રો અને સરંજામ મંગાવ્યા. દરમિયાન ભારત  સાથે મર્યાદિત જોડાણની આડીઅવળી યોજનાઓ રજુ કરીને માઉન્ટબેટન જોડે ચર્ચા  ચલાવી.

નિઝામ કાસિમ રિઝવીએ રઝાકાર સેના ઊભી કરીને દિલ્હી પર ચડાઇ કરવાની શેખી  મારી. હિંદુઓને ત્રાસ આપ્યો અને સ્વામી રામાનંદ તીર્થ જેવા અનેક આગેવાનોને  કારવાસમાં ખોંસી દેવાયા. દિલ્હીમાં થયેલું દરેક સમાધાન નિઝામે નકારી  કાઢ્યું અને તેના પ્રતિનિધિઓ દિલ્હી-હૈદરાબાદ વચ્ચે દોડતા રહ્યા. નિઝામે  સ્વતંત્ર રાષ્ટ્ર બનવાની મથામણ ચાલુ રાખી અને સરદાર ચૂપચાપ તમાશો જોતા  રહ્યા કારણ કે આ કામગીરી માઉન્ટબેટને સંભાળી હતી.

૧૯૪૮ના ઓગસ્ટમાં માઉન્ટબેટને હોદ્દો છોડ્યો ત્યારે નિઝામની આંખ ઊઘડી કારણ  કે હવે સરદાર જોડે કામ પાડવાનું હતું. નિઝામે છેલ્લી યોજના સ્વીકારી લીધી  પણ સરદારે કહ્યું કે આ યોજના તો વિલાયત ચાલી ગઇ છે. જીન્નાહના અવસાનનો લાભ  ઉઠાવીને સરદારે હૈદરાબાદ સામે લશ્કરી કારવાઇ શરૂ કરી અને ભારતીય સેના ત્રણ  બાજુથી હૈદરાબાદમાં દાખલ થઇ. નિઝામે શરણાગતિ સ્વીકારીને જોડાણખત પર સહી કરી  આપી. આ સાથે વિલીનીકરણ લાંબી પ્રક્રિયાનો અંત આવ્યો.

આ કામ બજાવવામાં સરદારે સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યો નથી. પરંતુ સરદારની  દ્રઢતા, કુનેહ અને સામા પક્ષને દબડાવીને ડારો દેખાડીને દબાવી દેવાની અજોડ  કઠોરતા આ કામગીરીમાં પૂરેપૂરી પ્રગટ થઇ. સરદારને લોખંડી પુરુષ કહેવાય છે તે  થોડું વધારે પડતું છે, પણ ભારતની રાજકીય એકતા તેમની પરમ સિદ્ધિ છે અને  બેજોડ કામગીરી છે તેમાં કશી શંકાને સ્થાન નથી.

 

 

વિલીનીકરણના સરદાર,

‘મારા નામથી તમારી ઉણપો ન ઢાંકશો’
અગાઉ શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ ‘આઈટેમ’ રજુ કરવાનું કહેવાતું ત્યારે રામાયણનાં પાત્રો આજે કઈ રીતે વર્તે તેનું આવડે તેવું નિરુપણ બાળકો કરતાં. એ જ ઢબે, સરદાર આજે શું બોલે એની કલ્પના કરવા જેવી ખરી. માની લો કે સરદાર આજે રાષ્ટ્રજોગું પ્રવચન આપે તો એ શું કહે? એક કલ્પના… નિર્ભેળ કલ્પના…

હે ભારતીયો, મારા પર માલિકીહકના દાવા બંધ કરો. કરમસદ, પટેલો, ગુજરાત, કોંગ્રેસ, ભાજપ… કોઈનો હક નથી મારા પર. હું ગાંધીજીનો સિપાઈ હતો અને એ જ રૂપમાં લોકો મને યાદ રાખે એવો મારો આગ્રહ છે. બીજી વાત: મારા ગુરુ ગાંધીજીને વિસરીને તમે ભીંત ભૂલી રહ્યા છો. ગાંધીજીએ જેમને વારસ નિમ્યા તે જવાહર અને જવાહરના વારસ એવાં ઇન્દિરા-રાજીવ-સોનિયા-રાહુલ મને વિસરી જાય તો એનો શોક કરવા જેવો નથી, પણ આખો દેશ ગાંધીજીના આદર્શો અને મૂલ્યોને આ હદે વિસરી જાય એ મને અક્ષમ્ય જણાય છે.

રહી વાત મારા સરદાર હોવા વિશેની. કોઈ પણ દેશને હંમેશાં સાચા સરદારની, સૂઝબૂઝવાળા મક્કમ આગેવાનની જરૂર રહેવાની જ. એટલે જ તો મારા ગયા પછી જનતા નવા સરદારને ખોળી રહી છે. મારા પછીનો સરદાર કોણ, એવી મૂંઝવણ તમને થાય તો હું તમને એક સાદી પરીક્ષા સૂચવું છું. જે આ પરીક્ષામાં પાસ થાય તેને સાચો સરદાર ગણજો. પરીક્ષા આ છે: જેનામાં કોઠાસૂઝ હોય, કામ પાર પાડવા બાબતે જે મક્કમ હોય અને કામના બદલામાં સંપત્તિ કે યશ મેળવવા બાબતે જે નિર્લેપ હોય એ સરદાર હોઈ શકે.

ભારત પાસે આજે એવી અનેક પ્રતિભા છે જેનામાં કોઠાસૂઝ છે, કામ પાર પાડવા બાબતે જે મક્કમ અને કાબેલ છે, પણ કામના બદલામાં સંપત્તિ કે યશ વિના એમને ચાલતું નથી. હું જાણું છું કે કામનું વળતર સૌને ગમે. મને પણ ગમતું. પરંતુ વળતરરૂપે મને કાંચન-કીર્તિ ફિક્કાં લાગતાં. મને બે જ વળતરમાં રસ હતો: હૃદયનો સંતોષ અને બાપુનો રાજીપો. નેતા પૈસા અને જશ પાછળ ભાગે એ ન ચાલે. પહેલાં જશની વાત કરીએ. આજનું રાજકારણ ‘કામ થોડું ને જશ ઝાઝો’ના ધોરણે ચાલી રહ્યું છે. નેતાઓ નાનું કામ કરે તો પણ મોટા ફોટા છપાવે છે. એમની દલીલ એવી હોય છે કે આવું બધું ન કરીએ તો ફેંકાઈ જઈએ, સતત જનતાની નજરમાં રહેવું પડે, આજનો યુગ પ્રચારનો યુગ છે.

આ બચાવ લૂલો છે. આજે જ નહીં, પહેલેથી જ પ્રચારની બોલબાલા રહી છે. બોલે એના બોર વેચાય. બોલવું તો પડે જ. પણ જાતે બોલવાની જરૂર નથી. કામને બોલવા દો. જાતે બણગાં ન ફૂંકો, તમારું કામ જ તમારાં નગારાં વગાડશે. હું મારા વિશે કશું નહોતો બોલતો, તો પણ મારું કામ એટલા મોટા અવાજે બોલતું રહ્યું છે કે મારી વિદાયના ૬૦ વર્ષ પછી પણ મારા વિશે ફિલ્મો-નાટક બને છે, મારી મૃત્યુતિથિ પર પૂર્તિ બહાર પડે છે. મતલબ એટલો કે લાંબા ગાળાની સાચી કીર્તિ જોઈતી હોય તો ચૂપચાપ કામ કરો. એક વાક્ય હું વારંવાર મારા સાથીઓને કહેતો: તમે તમારું કામ દ્રઢતાથી કરતા રહેજો. બધું ઠીક થશે.

કીર્તિની વાતથી ઠીક યાદ આવ્યું. તમે સૌએ મને બહુ બહુ વધાવ્યો છે, રજવાડાંના વિલીનીકરણનો સમગ્ર યશ તમે મને આપતાં રહ્યા છો. પણ એ ઠીક નથી. વિલીનીકરણનો યશ જેટલો મને એટલો જ, તમે માનશો નહીં, લોર્ડ માઉન્ટબેટનને પણ મળવો રહ્યો. ૧૯૪૭માં આઝાદી મળી તે અગાઉ ૫૦થી પણ ઓછા દિવસોમાં દેશના પાંચ સિવાયના તમામ રજવાડાંએ ભારત સાથેના જોડાણખત પર સહી કરી આપી એ કામ અસલમાં કઈ રીતે થયું તેનું સૌથી સચોટ વર્ણન મારા અંગત સચિવ વી. શંકરે કર્યું છે:

‘રાજાઓ સાથે ખુલીને વાતચીત કરીને સરદારે ભૂમિકા ઊભી કરી હતી, પણ રાજાઓને સલુકાઈથી, સફળતાપૂર્વક વિલીનીકરણના પક્ષમાં લઈ આવવાનું શ્રેય લોર્ડ માઉન્ટબેટનના ખાતે છે. સમજાવટ અને રાજકીય કુનેહની એમનામાં જે શ્રેષ્ઠ નૈસિર્ગક પ્રતિભા હતી એ વગર આ સિદ્ધિ શક્ય નહોતી. અત્યાર સુધી બ્રિટિશ પ્રતિનિધિની શેહમાં રહેલા રાજાઓની માનસિકતાનો પણ માઉન્ટબેટને ફાયદો લીધો. સમગ્રપણે જોતાં એ એવું કામ હતું, જેનાથી ભારતના નાયકોની પંગતમાં માઉન્ટબેટનને મળેલું કાયમી સ્થાન યોગ્ય સાબિત થાય.’

મેં પોતે પણ સ્વતંત્ર થયાના બીજા દિવસે માઉન્ટબેટનના મહાકાર્યને બિરદાવવા એમને પત્ર લખેલો: ‘તમારા વાઈસરોયપદના છ માસનો ઈતિહાસ લખાશે ત્યારે અનેક પ્રકારનાં મુશ્કેલ કાર્યો જે રીતે સિદ્ધ થયાં અને ભારત-બ્રિટન સંબંધોમાં તિળયાથી ઉપર લગી જે પરિવર્તન આવ્યું, તેના યશનો મોટો હિસ્સો ઈતિહાસ તમારા નામે ફાળવશે.’ પણ મારી આ ભવિષ્યવાણી ખોટી પડી. ઈતિહાસે વિલીનીકરણ બાબતે જેટલો યશ મને આપ્યો છે એટલો માઉન્ટબેટનને નથી આપ્યો.

આજે લોર્ડ માઉન્ટબેટનને લોકો જવાહરમિત્ર એડવિનાના પતિ તરીકે જ ફક્ત યાદ કરે છે એ દુખદ છે. ટુકડાઓમાં વહેંચાયેલું ભારત એક અતૂટ એકમ બન્યું એનો જેટલો જશ મને એટલો જ માઉન્ટબેટનને પણ મળવો રહ્યો. કહેવાનું એ કે જશ ખાટવાનો નહીં, જશ આપવાનો જુસ્સો દાખવો. તો સાચી કીર્તિ મળે, તો લોકોના હૃદયમાં કાયમી સ્થાન મળે.

રહી વાત પૈસાની. લોકો ધન કમાવા નેતા બને એ તો કેમેય ન ચાલે. એ સાચું છે કે ધન વિના કોઈ કાર્ય ન થઈ શકે. હું પોતે ઉદ્યોગપતિઓ સાથે વધુ નિકટતા બદલ થોડો બદનામ થયેલો. પક્ષ માટે ભંડોળ ભેગું કરવાનું કામ જ્યારે બીજું કોઈ ન કરી શકે ત્યારે મારા માથે જ આવતું. ધનને ધિક્કારવાની જરૂર નથી. ઉદ્યોગપતિઓને બધી વાતે વખોડી કાઢવાની જરૂર નથી. આ મામલે મારે જવાહર સાથે પણ મતભેદ થયેલા. જવાહરને સમાજવાદ પસંદ પડતો, પરંતુ મારું કહેવું છે કે મૂડીવાદ વિના, ઉદ્યોગો વિના ચાલવાનું નથી. ઉદ્યોગપતિઓને દેશના ઘડતરમાં સામેલ કરવાનું કામ નેતાઓનું છે.

એ માટે ઉદ્યોગપતિઓને સમજાવવા પડે અને જરૂર પડે તો શરમાવવા પણ પડે. ઉદ્યોગપતિઓને સમજાવવા-શરમાવવાની કળા મારા સેનાપતિ ગાંધીજીને બહુ સારી આવડતી. આજકાલના આ બધા જે લલિત મોદીઓ અને નીરા રાડિયાઓ છે એ ફક્ત પોતાના લાભમાં રાચતાં, છતાં કાબેલ લોકો છે. આજે ગાંધીજી અને હું હયાત હોત તો આવાં ખરડાયેલાં છતાં સક્ષમ લોકોને, જરૂરી જણાય તો સજા તથા દંડથી ધોઈ-વીછળીને, સાફસૂફ કરીને પછી એમને દેશહિતના કામે લગાડવાની કોશિશ અમે જરૂર કરી હોત.

સક્ષમોની ક્ષમતા અને ઉદ્યોગપતિઓનું ધન દેશહિતના કામે લગાડવાનું કામ નેતાનું છે. મેં શરૂઆતમાં કહ્યું કે મને વિસરી જશો તો ચાલશે, પણ મારા સેનાપતિ ગાંધીજીને ન વિસરશો, કારણ કે એમણે જ મારા જેવા એક વૈભવપ્રેમી વલ્લભભાઈ પટેલથી માંડીને સારાભાઈ, બિરલા, કસ્તુરભાઈ લાલભાઈ જેવા અનેક ઉદ્યોગપતિઓને દેશહિતના રસ્તે વાળેલા.

ઢીલા લોકોથી શેક્યો પાપડ પણ ભાંગવાનો નથી. કાયરોના કકળાટથી કશું વળવાનું નથી. તમને ખરાબ લાગે તો પણ એક વાત સમજી લેજો કે ‘અમારા સરદાર મહાન’ એ નારો તમે જેટલા ઊંચા સાદે બોલશો એટલી તમારી નબળાઈ છતી થશે. આપણો ભૂતકાળ અને સંંસ્કૃતિ કેટલાં મહાન હતાં એની રાડારાડ નિરર્થક છે. આપણી ગઈ કાલ મહાન હતી તો હતી, તેનું આજે શું? ભૂતકાળની ભવ્યતામાં રાચતી પ્રજા વર્તમાનમાં કશું ઉકાળી શકતી નથી. પેલા મરાઠી નેતાઓ શિવાજી, શિવાજીનું રટણ કર્યા કરે છે.

શિવાજી મહાન હતા, આજના ભારતના બહુ મોટા વિસ્તાર સુધી એમણે પ્રભાવ પાથરેલો. અને આજે? આજે શિવાજીનું નામ રટતાં નેતાઓ મહારાષ્ટ્રની બહાર જતાં પણ ફફડે છે. અને પેલા બંગાળીઓ. એ લોકો રવીન્દ્રનાથની મહાનતાના ગુણ ગાતાં થાકતાં નથી. અમારા રવીન્દ્રનાથ, અમારા રવીન્દ્રનાથ એવા ગુમાનમાં રાચતાં બંગાળીઓએ વિચારવાનું એ છે કે આજે કેટલા રવીન્દ્રનાથ બંગાળમાં છે. જેમ મરાઠીઓ શિવાજીને અને જેમ બંગાળીઓ રવીન્દ્રનાથને પોતાની આજની કમી ઢાંકવાના વસ્ત્ર તરીકે ઉપયોગમાં લે છે એવી રીતે આજના ગુજરાતીઓ પોતાની ઓછપ છુપાવવા ‘અમારા સરદાર મહાન’ના નારા પોકારે તો એથી હું ગર્વ નહીં, શરમ અનુભવું.

મારા નામે મિથ્યાભિમાનમાં રાચશો નહીં. તમારું જે કંઈ કામ છે એ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી કરો એટલું પૂરતું છે. રિક્ષાવાળાથી માંડીને ઉદ્યોગપતિ અને વડા પ્રધાન, સૌ પોતપોતાનું કામ સારામાં સારી રીતે કરે તો દેશ આપોઆપ આગળ આવે. દેશપ્રેમ વ્યક્ત કરવા નારાબાજીની જરૂર નથી, કાર્યનિષ્ઠા અને પ્રામાણિકતા પૂરતાં છે. મારું અત્યંત પ્રિય વિધાન ફરીથી કહું તો: તમે તમારું કામ દ્રઢતાથી કરતા રહેજો. બધું ઠીક થશે.

 

ધારદાર સરદાર,

સરદાર, વીર અને નેતાજી!
વલ્લભભાઇ પટેલ, વિઠ્ઠલભાઇ પટેલ અને સુભાષચંદ્ર બોઝ. આ ત્રણેને ભારતીય પ્રજાએ નવા સંબોધન સાથેનું સન્માન આપ્યું. વલ્લભભાઇ ‘સરદાર’ કહેવાયા, વિઠ્ઠલભાઇને ‘વીર’ કહેવાયા અને સુભાષચંદ્ર બોઝ ઝળહળતા સ્વાતંત્ર્ય યુદ્ધના ‘નેતાજી’ બન્યા. આ ત્રણે પ્રખર દેશભક્તો લગભગ એક જ સમયે જે રીતે સ્વતંત્રતાની રાજનીતિમાં સક્રિય રહ્યા તેનો એક સાથે અભ્યાસ પણ કરવા જેવો છે.

ભારતનીસ્વતંત્રતાના રાષ્ટ્રીય રાજકારણમાં, કદાચ સૌથી તેજસ્વી નક્ષત્રોની યાદી કરીએ તો ત્રણ નામોનું તરત સ્મરણ થઇ આવે, એક વલ્લભભાઇ પટેલ, બીજા વિઠ્ઠલભાઇ પટેલ અને ત્રીજા સુભાષચંદ્ર બોઝ! આ ત્રણે પ્રખર દેશભક્તો લગભગ એક જ સમયે જે રીતે સ્વતંત્રતાની રાજનીતિમાં સક્રિય રહ્યા તેનો એક સાથે અભ્યાસ પણ કરવા જેવો છે. તેમના સમર્થ, બૌદ્ધિક અને અસીમિત બલિદાનના આદર્શોએ સ્વતંત્રતા માટેના નકશાને કેવો પરિવર્તિત કર્યો તે ભૂમિકા જ તેમના સામ્ય-ભેદ માટે સ્વાભાવિક રહેશે.

ઘણીવાર એ સવાલ ઊઠે કે જો વલ્લભભાઇ, વિઠ્ઠલભાઇ પટેલ અને સુભાષચંદ્ર બોઝ એકબીજાના હાથમાં હાથ મેળવીને રાષ્ટ્રીય રાજકારણમાં રહ્યા હોત તો સ્વાધીન દેશનું માનચિત્ર કેવું બદલાયેલું હોત? વિઠ્ઠલભાઇ પક્કા ‘સ્વરાજ પક્ષ’ના સૂત્રધાર હતા. ભારત અને અમેરિકા-ઇંગ્લેન્ડ-વિયેનામાં તેમણે સંપૂર્ણ બૌદ્ધિક, પરિશુદ્ધ બંધારણીય માર્ગ અને એકદમ વ્યવહારુ રસ્તે ભારતની આઝાદી માટે અથાગ પ્રયાસો કર્યા.

ગાંધીજીના નેતૃત્વ માટે તેમને પૂરું સન્માન હતું પણ ચોરીચૌરાકાંડનું નિમિત્ત લઇને અસહકાર આંદોલનને મોકૂફ રાખવાથી માંડીને બીજી ગોળમેજી પરિષદમાં ભારતની આઝાદીને કેન્દ્રમાં રાખવાને બદલે બીજી વ્યક્તિગત ભેળસેળને મહત્વ આપવાની નીતિથી વિઠ્ઠલભાઇ સખત નારાજ હતા. લંડનમાં ગોળમેજી પૂર્વે વિઠ્ઠલભાઇ ગાંધીજીને મળ્યા હતા. તેમણે બ્રિટિશ રાજપુરુષો સાથે મંત્રણા કરીને, ભારતની સ્વતંત્રતાના નિર્ણયોની પૂર્વભૂમિકાનો તખતો તૈયાર કર્યો હતો. પણ ગાંધીજી માન્યા નહીં.

તેમણે કહ્યું કે હું ને મારો ભગવાન બે જ છીએ, તે મને દોરશે. આનો અર્થ વિઠ્ઠલભાઇ-જીવનીના સમર્થ લેખક જી. આઇ. પટેલે તારવ્યો છે, ‘એ દેખીતું હતું કે ગાંધીજી બ્રિટિશ સરકાર સાથે મંત્રણા દ્વારા કોઇ સમજુતિ માટે ગયા નહોતા, તેમને તો અહિંસા અને સત્યનો પશ્ચિમના દેશોને ઉપદેશ કરવાનો હેતુ હતો.’

આનાથીયે તીવ્ર પ્રતિક્રિયા વિઠ્ઠલભાઇ અને સુભાષચંદ્રના સંયુક્ત નિવેદન (૨૩ જુલાઇ, ૧૯૪૪)માં હતી. તેમાં જણાવાયું કે, ‘ગાંધીજીની હાલની નીતિ અને કાર્યક્રમોની પદ્ધતિએ કોંગ્રેસની નિસબત છે ત્યાં સુધી સંપૂર્ણ નિષ્ફળ છે. સમય આવી ગયો છે કે કોંગ્રેસની નેતાગીરીમાં બદલાવ આવે અને તે ગતિશીલ સંગઠન બને.’ ચોથો દુ:ખદ કિસ્સો વલ્લભભાઇ-વિઠ્ઠલભાઇ વચ્ચેના મતભેદનો છે. બંને ભાઇઓ એકબીજા પ્રત્યે અત્યંત હાર્દિક અને પ્રેમાળ સંબંધ ધરાવનાર હતા પણ વિઠ્ઠલભાઇના દેહાવસાન (૧૨ ઓક્ટોબર, ૧૯૩૩) પૂર્વે તેમણે જે વસિયતનામું તૈયાર કરાવ્યું, જેમાં વિઠ્ઠલભાઇના હસ્તાક્ષર પણ હતા, તે વલ્લભભાઇ અને અન્ય કુટુંબીજનોને ‘યોગ્ય’ ન લાગ્યું. વિઠ્ઠલભાઇની સહી વિશે શંકા ઉઠાવવામાં આવી.

બંગાળી લોકોને જ કેમ સાક્ષી રખાયા એવો સવાલ કરાયો. મુખ્યકારણ એ હતું કે વસિયતનામા અનુસાર વિઠ્ઠલભાઇની મિલકતને સુભાષબાબુ સંભાળી લે તેવી ઇચ્છા વ્યક્ત થઇ હતી. વિઠ્ઠલભાઇના છેલ્લા ત્રણ દિવસોમાં યુવાન સુભાષે તેમની સુશ્રુષા કરી હતી. વિઠ્ઠલભાઇએ આયર્લેન્ડના ક્રાંતિકાર ડી વેલેશની મુલાકાત લીધી, તે પછી તેમના સૂચન પ્રમાણે સુભાષ પણ વેલેશને મળ્યા હતા. ભારત અને ભારતની બહાર સ્વતંત્રતા માટેના વ્યાપક પ્રયાસોનું આયોજન થયું હતું.

તે દરમિયાન વિઠ્ઠલભાઇએ જલાવતન સ્થિતિમાં આંખો મીંચી. વિયેનામાં તેમને કોઇએ પૂછ્યું કે ભારત ક્યારે પાછા ફરશો? તો હસીને કહ્યું, ‘જ્યારે ત્યાંની જેલમાં નિરોગી રહી શકું ત્યારે!’ (ભારતમાં તેમની જેલવાસ દરમિયાન હાલત બગડી તે પછી વધુ સારવાર માટે વિદેશ જવા પરવાનગી અપાઇ હતી.)

સુભાષને વિઠ્ઠલભાઇએ ‘શક્તિશાળી, દૂરર્દષ્ટા દેશભક્ત નેતા’ તરીકે બિરદાવ્યા હતા, પણ વસિયતનામાએ નવો વિવાદ સર્જ્યો. આપણા આઇ. જી. પટેલ મધ્યસ્થી હતા. તેમની સ્થિતિ ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી હતી. છેવટે સરદાર અને અન્ય પ્રયાસોથી કોર્ટે વસિયતનામાનો પોતાની રીતે અર્થ તારવ્યો, તે રકમમાંથી કોંગ્રેસે ‘વિઠ્ઠલભાઇ સ્મારક સમિતિ’ સ્થાપવાનું નક્કી કર્યું. પરંતુ સરદાર-સુભાષ વચ્ચેની તિરાડ ત્યારથી નહોતી થઇ. ૧૯૩૭માં ગુજરાતના હરિપુરા ગામે ભવ્ય અધિવેશન થયું તે પહેલાં ગાંધીજીએ સરદારની સલાહ લીધી હતી. ‘સુભાષ અસ્થિર છે એમ મેં પણ જોયું છે પણ અત્યારે તેના સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.’

(વેટર્સ ટુ સરદાર પટેલ: મો.ક.ગાંધી, પાન ૧૨૯) આવો મત બંધાયો. સુભાષ બીજીવાર કોંગ્રેસ પ્રમુખ થવા ઇચ્છતા હતા ત્યારે તો રાજમોહન ગાંધી લખે છે તેમ – ‘પહેલી વખત પણ સુભાષની પસંદગી વલ્લભભાઇને ગમી ન હતી. આ વખતે તેમણે વાંધો ઉઠાવ્યો. આ પ્રત્યાઘાતમાં થોડું અંગત તત્વ પણ હતું. વિઠ્ઠલભાઇના વસિયતનામામાં સુભાષે ભજવેલા ભાગ અંગે વલ્લભભાઇને જાગેલી કુશંકાઓ હજુ શમી ન હતી અને સુભાષની કાર્યક્ષમતા અંગે પણ તેમનો અભિપ્રાય સારો નહોતો.

બીમાર પડેલા રાજેન્દ્રરપ્રસાદને ૧૯૩૮ના જુલાઇમાં લખેલા પત્રમાં સરદારે લખ્યું, ‘અમારે એવા પ્રમુખ જોડે કામ પાડવાનું છે જેને પોતાના કામની સમજ નથી.’ જોકે વસિયતનામું કે આવડતનો અભિપ્રાય ન હોત તોયે વલ્લભભાઇ સુભાષની ફરી વરણીનો વિરોધ કર્યો હોત. ફરીવાર પ્રમુખપદના વિરોધમાં બીજા ઘણાં કારણો હતા. વલ્લભભાઇને લાગ્યું કે સુભાષ તેમના વિરોધી છે. રાજેન્દ્રર પ્રસાદને મૌલાના આઝાદનો પત્ર મોકલતા તેમણે સખત ટીકા પણ કરી. ગાંધીજીને લાગતું હતું કે સુભાષ કલકત્તામાં જર્મન કોન્સલના સંપર્કમાં છે ને કંઇક ગોઠવણ કરી રહ્યા છે. આ અહેવાલ બ્રિટિશ ગુપ્તચર તંત્રનો હતો, પણ ગાંધીજીને લાગ્યું કે વિશ્વયુદ્ધ શરૂ થાય તો બોઝ એવું વલણ લેશે કે જેને ટેકો આપી શકાય નહીં.

સુભાષને મુસોલિની પ્રત્યે આદરભાવ હતો તેમ ક.મા.મુનશીએ નોંધ્યું અને ગાંધીજીને જણાવ્યું. સરદાર-સુભાષ આમ ગણો તો પદ્ધતિ અને વ્યક્તિનિષ્ઠા બે જ મુદ્દે અલગ હતા. સુભાષે ‘સાબરમતી પ્રકારની રાષ્ટ્રીય નીતિ’ને અમાન્ય કરી હતી, સરદારે ગાંધીજી પાસે પોતાનું સમગ્ર વ્યક્તિત્વ ધરી દીધું હતું. સુભાષના ક્રાંતિકારી દિમાગમાં દક્ષિણ એશિયાની સ્વાધીનતાપ્રેમી પ્રજાને સંગિઠત કરીને, ‘દુશ્મનના દુશ્મન દોસ્ત’ એ ન્યાયે જાપાનની સાથે હાથ મેળવીને ભારત—મુક્તિ માટે મરણિયા પ્રયાસો મહત્વના હતા. એમ તેમણે કર્યું પણ ખરું.

સરદાર માટે એ રસ્તો વ્યવહારુ નહીં હોય. વિઠ્ઠલભાઇએ સુભાષને પહેલેથી જ સમર્થન આપ્યું. તેમના દેહાવસાન પછી બુઝુર્ગ ક્રાંતિકાર રાસબિહારી બોઝના સુભાષને આશીર્વાદ મળ્યા અને ‘આઝાદ હિન્દ ફોજપ્ત રચાઇ, તે અધ્યાય જગજાણીતો છે.વિઠ્ઠલભાઇના મૃતદેહને ભારત લાવીને ભવ્ય વિદાય સાથે અગ્નિસંસ્કારની જવાબદારી વિઠ્ઠલભાઇના અંતરંગ યુવાન મિત્ર જી.આઇ.પાસે હતી.

પણ તેમણે જીવનચરિત્રમાં લખ્યું છે કે કાર્યદક્ષ સમિતિએ સમગ્ર દોર પોતાના હાથમાં લઇ લીધો, સરદારે ના પાડી એટલે ચોપાટી પર, તેમના પરમ સાથી ટિળક મહારાજની પાસે અગ્નિસંસ્કાર ન કરી શક્યા. ‘ગાંધીજીએ કોઇ મહત્વનો પ્રતિસાદ ન આપ્યો એટલે સરકારે વલ્લભભાઇને જેલમાંથી ન છોડ્યા’ તે આવી શક્યા નહીં અને સોનાપુર સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થયા.

સરદાર, વિઠ્ઠલભાઇ અને સુભાષ- ત્રણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના પ્રમુખો બન્યા હતા અને પછી રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા હતા. વિદેશોમાં આંખ મીંચનારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, લાલા હરદયાળ, મદનલાલ ધીંગરા, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, રાસબિહારી બોઝ અને સુભાષબાબુની જેમ વિઠ્ઠલભાઇ પણ વિદેશે અવસાન પામ્યા. એ પણ ઈતિહાસની એક ધ્યાનમાં આવે તેવી ઘટના!

પ્રથમ દૃષ્ટિએ આ વિધાન અસંગત લાગે પણ હકીકત છે. આપણું બંધારણ આપણી સંસ્કૃતિ, આપણા લોકમાનસને અનુરૃપ તથા આપણા ભાતીગળ લોકના પરંપરાગત  ઊતરી આવેલ પંચાયત દ્વારા થતા વ્યવહારો વગેરેને ધ્યાનમાં લીધા વગર ઈંગ્લેન્ડના રાજ્ય બંધારણની નકલ કરી છે. ઈંગ્લેન્ડના રાજ્ય બંધારણમાં ઉપર રાજા પછી હાઉસ ઓફ કોમન અને હાઉસ ઓફ લોર્ડસની જેમ ભારતમાં ઉપર – પ્રમુખ – સંસદો – લોકસભા – રાજ્યસભા કારોબારી અને કાર્યો તમામની રચના ઇંગ્લેન્ડને ધ્યાનમા રાખી કરી છે,કારણ કે બંધારણ ઘડવૈયા અંગ્રેજોથી પ્રભાવિત હતા. આજેય આપણો બ્યૂરોક્રેટ વહીવટ પણ ઈંગ્લેન્ડની અસર નીચે જ થાય છે. જે તુમારો અને ભ્રષ્ટાચારના અડ્ડા થઈ ગયા છે. વધારે મુશ્કેલી બે મોટી બાબત જે બંધારણમાં છે તેનાથી આપણને ભ્રષ્ટ અને લુચ્ચા, સ્વાર્થી નેતાઓની ભેટ આપી છે. તે નીચે મુજબ છે.

(૧) સાર્વત્રિક મતાધિકાર

(૨) અનામત.

આ બંને જોગવાઈનું પરિણામ આવ્યું તે નજર સમક્ષ છે. ભારતનો મોટો વર્ગ અભણ, ગરીબ અને લાચાર અવસ્થામાં જીવે છે તેને મતની બાબત- તેની કિંમતની શી ખબર? તે તો પોતાના એક દિવસનો કે થોડો ગુજારો મળે તો જે કિંમત મળે તે લઈ ગમે તેને વોટ વેચી દે છે.પરિણામે લાંચ અને દારૃ વહેંચણી જેવા નિમ્ન રસ્તે વોટ લઈ સાંસદ બનનાર અને તેમાંથી મંત્રી બનનાર માટે આપણે શી આશા રાખી શકીએ? આમાંથી ભ્રષ્ટ અને દુરાચારી ગુનાઇત ભૂતકાળ ધરાવતા નેતાઓ જે પૈસા ખર્ચી શકે તેવા આવા દેશનો વહીવટ ઊંચો લાવવાને બદલે પોતે ખર્ચેલ નાણાંને કેટલાય ગણા વ્યાજ સાથે પરત મેળવવા ભ્રષ્ટાચાર આચરી દેશની આબરૃને ધૂળધાણી કરે છે.

ગાંધીજીએ ભારતભરમાં સંવાદિતા અને કોમી એકતાની ભાવનાને પ્રસારી, સેવાભાવની વૃત્તિવાળા નેતાઓની હારમાળા તૈયાર કરેલ. સ્વાર્થી અને લાલચુ નેતાઓએ ભાગલા પાડી, નાત-જાત વચ્ચે તથા કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરીને પોતાની વોટબેન્ક સાબુત રાખવા અને પોતાનો રોટલો શેકવા સિવાય કોઈ પ્રવૃત્તિ કરી નથી. વોટબેન્ક માટે અનામતનું ભૂત કાયમ ધૂણતું રહે તે તરફ ધ્યાન આપી ભારતના ભાગલા પડી જાય તેવી અધમ સ્થિતિએ દેશને લાવી મૂક્યો છે. આ નેતાઓ ‘ગરીબી હટાવો’ના સૂત્રથી મત મેળવે છે પણ ગરીબી હટાવવી નથી, કારણ ગરીબી હટે તો કોના નામે વોટ માગે? તેવું અનામતવાળાઓને લીલો પીળો બતાવી અનામત જ તેમનું ઉન્નતિ માટેનું શસ્ત્ર છે તેમ સમજાવી પછાત વર્ગ તથા આદિવાસીઓને તેમની જાતિ અંગે સજા રાખી નોકરી કેન્દ્રિય વાતાવરણ ઊભું કરી તેમની શક્તિઓ નોકરી પાછળ વેડફાય માટે અનામતનું ભૂત ઊભું રાખે છે. તેઓ બીજા ક્ષેત્રમાં આવે નહીં તે માટેનું આ પ્રલોભન છે. આ બધા કરાર તો દેશને ભાગલા તરફ લઈ જશે તેવો ભય લાગે છે પણ આ નેતાઓને તેમની ખુરશી અને મતબેન્ક સિવાય કાંઈ દેખાતું નથી. વોટર સમજુ  શિક્ષિત હોય તો કે સમજી વિચારી શકે તેવા હોય તો તેમના દ્વારા ચૂંટાયેલ યોગ્ય વ્યક્તિથી દેશનો સારો વહીવટ ચાલે. સારા અને પ્રામાણિક માણસો ભ્રષ્ટાચારને કારણે આગળ આવવાથી દૂર રહે છે.

આપણે ૧૯૪૭માં આઝાદી મેળવી જ્યારે ચીનમાં માઓએ ચાન્ગકાઈશેને ફોર્મોસા ભગાડી ૧૯૪૮માં સુકાન સંભાળ્યું. આજે ચીન ભારત કરતાં અનેક બાબતે ૩થી ૫ ગણું આગળ છે. અરે કોરીયા, તાઈવાન, સિંગાપુર, હોંગકોંગ જુઓ તો તેમની પ્રગતિ આંખ આંજી દે છે. ખરેખર આપણા બંધારણ અંગે ફેરવિચારણા કરવી જરૃરી છે. અમેરિકા, ફ્રાન્સ અને બીજા દેશોના બંધારણનો અભ્યાસ કરવો જરૃરી હતો. જે આપણા બંધારણ ઘડવૈયાએ કર્યો નહીં. પરિણામ જોઈએ છીએ.

બાળક એ શ્રીકૃષ્ણનું સ્વરૃપ છે. માટે કદી બાળકને રડાવશો નહીં. સંતો બાળકો સાથે રમે છે, કારણ કે બાળકની ક્રિયા નિર્દોષ હોય છે, તેનામાં છળકપટ હોતાં નથી. અને તેથી જ પ્રભુને બાળક ગમે છે. શ્રીકૃષ્ણને બાળકો ગમતાં હતાં. તે મિત્રોને ખવરાવીને રાજી થતા હતા.

ચતુર્થ સ્કંધના આઠમા અધ્યાયમાં ધ્રુવાખ્યાન આવે છે. સાવકી માતા સુરુચિનાં દ્વેષ ભરેલા કટુવચન સાંભળીને સુનીતિના સુપુત્ર બાળધ્રુવે નગરમાંથી બહાર નીકળીને તપથી શ્રીહરિને પ્રસન્ન કર્યા તે કથાનો આરંભ થાય છેઃ

મૈત્રેય વિદુરજીને કહ્યું: ‘હે કુરુવંશને વહન કરનારા વિદુર! મેં તમને ઘણો ઇતિહાસ સંભળાવ્યો. હવે શ્રીનારાયણ હરિના અંશરૃપ બ્રહ્માના પુત્રને પવિત્ર કીર્તિવાળા સ્વાયંભુવ મનુના વંશ વિશે હું વૃત્તાંત કહું છું તે શાંતચિત્તે શ્રવણ કરો.’

શતરૃપાના પતિ સ્વાયંભુવ મનુને પ્રિયવ્રત તથા ઉત્તાનપાદ નામના બે પુત્રો હતા. આ બંને પુત્રોમાં ભગવાનનો અંશ હતો. તેથી તેઓ જગતનું રક્ષણ કરતા હતા. આ બંને ભાઈઓમાં ઉત્તાનપાદ રાજાને ‘સુનીતિ’ તથા ‘સુરુચિ’ નામની બે રાણીઓ હતી. એક માનીતી અને બીજી અણમાનીતી હતી. તેમાં રાજાને અત્યંત રૃપાળી સુરુચિ ઉપર વધારે પ્રીતિ હતી અને સુનીતિ ઉપર પ્રીતિ ન હતી.

ઉત્તાનપાદ એટલેઃ ઉત્થાન ઉપર, પાદ-પગ. જેના પગ ઊંચા છે અને માથું નીચું છે તે ઉત્તાનપાદ. માતાના ઉદરમાં સર્વની આ હાલત હોય છે.

જીવમાત્ર ‘ઉત્તાનપાદ’ છે. માતાના ઉદરમાં રહેલા જીવમાત્ર ઉત્તાનપાદ છે. જીવમાત્રને ‘સુનીતિ’ અને ‘સુરુચિ’ નામે બે રાણીઓ હોય છે.

મનુષ્યને ‘નીતિ’ ગમતી નથી. ‘સુરુચિ’ ગમે છે. તેને નીતિમય નહીં પણ વિલાસી અને સુરુચિમય જીવન જીવવું ગમે છે. સુરુચિમાં ફસાયેલાને ક્યારેય પ્રભુના સ્વરૃપનું જ્ઞાન થતું નથી. સુરુચિના ગુલામને નીતિ અપ્રિય લાગે છે.

નીતિ ગમે તેટલી ‘ના’ પાડે છતાં ઇન્દ્રિયો વિષયો ભણી જ દોડે છે. મનુષ્યને ‘નીતિ’ ગમતી નથી, તે તેને બહુ અળખામણી લાગે છે, બહુ જ કડવી લાગે છે. તે પ્રિય હોતી નથી. માગે તે આપવાની વૃત્તિ તે સુરુચિ છે. ઇન્દ્રિય જે માગે તે આપવાની વૃત્તિ મનુષ્યને સારી લાગે છે.

ઉત્તાનપાદ રાજાની બે રાણીઓમાં જે ‘સુનીતિ’ હતી તે સંસ્કારી અને ગુણવંતી હતી. તેનામાં ઘણા ગુણો હતા, પણ દેખાવે સુંદર નહોતી. જ્યારે ‘સુરુચિ’ ગુણવંતી નહોતી પણ રૃપવતી હતી, તેનામાં ગુણ નહોતા પણ દેખાવે સુંદર હતી. રાજા ઉત્તાનપાદને રૃપવાન સુરુચિ બહુ ગમતી હતી, જ્યારે સુનીતિ દેખાવડી નહીં હોવાથી રાજાને અપ્રિય હતી.

બંને રાણીને એક એક પુત્ર હતો. સુનીતિના પુત્રનું નામ રાખ્યું હતું, ‘ધ્રુવ’. ધ્રુવ- શાશ્વત વસ્તુ. જગતમાં પ્રભુભક્તિ શાશ્વત છે. ‘ઉત્તમ’ સુરુચિનો પુત્ર છે. ઉત્- ઈશ્વર, તમ- અંધકાર- અજ્ઞાન. ઈશ્વરનું અજ્ઞાન તે સુરુચિનું ફળ છે. સુનીતિનું ફળ ધ્રુવ છે. તેથી સુનીતિના પુત્રનું નામ ધ્રુવ છે.

ધ્રુવ એટલે ‘કાયમ’- જેનો વિનાશ નથી તે સુનીતિનું ફળ છે. વિષયાનંદ ક્ષણિક છે. ભજનાનંદી આનંદ કાયમ છે.

ધ્રુવ જ્યારે પાંચ વર્ષનો થયો ત્યારે એને એક દિવસ પિતાને જોવાની ઇચ્છા થઈ. તેને આ વિચાર આવ્યો ત્યારે રાજા ગાદી પર બેઠા હતા. તેમના પડખે સુરુચિ બેઠી હતી. રાજા ઉત્તમને ખોળામાં બેસાડી લાડ લડાવી રહ્યા હતા. તે જે ખંડમાં બેઠા હતા ત્યાં બાળક ધ્રુવ રમતો રમતો ગયો. આ વખતે રાજાના ખોળામાં ઉત્તમ બેઠો હતો અને રાજા તેને રમાડી રહ્યા હતા. એ જોઈ ધ્રુવને પિતાના ખોળામાં બેસવાનું મન થયું. તે હરખાતો હરખાતો દોડીને રાજા પાસે જઈ કહેવા લાગ્યોઃ પિતાજી! મને ખોળામાં બેસાડો ને!

આ સાંભળીને ઉત્તાનપાદ રાજા ધ્રુવને ખોળામાં બેસાડવા તૈયાર થયો, પણ સુરુચિને આ ગમ્યું નહીં. તેણે રાજાને ધ્રુવને બેસાડવાની ના પાડી.

બાળક એ શ્રીકૃષ્ણનું સ્વરૃપ છે. માટે કદી બાળકને રડાવશો નહીં. સંતો બાળકો સાથે રમે છે, કારણ કે બાળકની ક્રિયા નિર્દોષ હોય છે, તેનામાં છળકપટ હોતાં નથી. અને તેથી જ પ્રભુને બાળક ગમે છે. શ્રીકૃષ્ણને બાળકો ગમતાં હતાં. તે મિત્રોને ખવરાવીને રાજી થતા હતા.

રાજા ઉત્તાનપાદ ધ્રુવને ગોદમાં લેવા તૈયાર થયો પણ વચમાં તેને સુરુચિ નડી. સુરુચિએ તેને અટકાવ્યો. રાજા સુરુચિને આધીન હતો. વિશ્વાસપાત્ર ન જગતિ લોકો સ્ત્રીઃ’ સ્ત્રીમાં માયાના દુર્ગુણો વધારે હોય છે.

તમે આંખમાં સદા અમી રાખજો. કોઈના પ્રત્યે વેર-ઝેર રાખશો નહીં.

સુરુચિએ ધ્રુવને બેસાડવાની ન પાડી. તેનામાં ઈર્ષ્યા હતી, વેર-ઝેર હતાં. તેણે બાળક ધ્રુવને કહ્યું: ‘અહીંથી ચાલ્યો જા, રાણી તો હું છું. તારી માતા તો દાસી છે. ક્યારનો ઊભો કેમ રહ્યો છે? અહીંથી દૂર હટ.. રાજાની ગોદમાં બેસવાને તું લાયક નથી. મારા પેટે જન્મ લે તો રાજાની ગોદમાં બેસાય, તું અહીંથી વનમાં જા અને તપશ્ચર્યા કરીને પ્રભુની પ્રાર્થના કર. પ્રભુને પ્રસન્ન કરીને વરદાનમાં મારે પેટે જન્મ લે.’

સુરુચિનો મિજાજ જોઈ રાજાએ પાસે આવેલા ધ્રુવ તરફથી મોઢું ફેરવી લીધું. સ્ત્રીમાં મોહવશ બનવું-તેને આધીન રહેવું તે પણ પાપ છે.

ધ્રુવમાં કાંઈ કપટ નહોતું. તેથી તે ખોળામાં બેસવાની લાલચે પોતાના પિતા રાજા પાસે બે હાથ જોડીને ઊભો હતો. રાણી સુરુચિએ તેને ધુત્કારી કાઢયો તો પણ રાજાથી કંઈ જ બોલી શકાયું નહીં.

સુરુચિએ પછી તો ધ્રુવને બહુ છણકા કર્યા એટલે ધ્રુવની આંખોમાં આંસુ આવી ગયાં. ધ્રુવને બહુ ખોટું લાગ્યું: ‘મારી માને દાસી કહી?’

એવામાં ધ્રુવને શોધતી સુનીતિ ત્યાં દોડી આવી. ધ્રુવની આંખોમાં આંસુ જોઈ તે બધી વસ્તુથી પામી ગઈ. ને રડતાં ધ્રુવને ઊંચકીને પોતાના ખંડમાં લઈ ગઈ. ધ્રુવને રડતો જોઈ તેનું કાળજું કોરાઈ ગયું હતું. પછી તેને ખોળામાં બેસાડી સાડીના પાલવ વડે આંસુ લૂંછી નાખી માથે હાથ ફેરવતાં કહ્યું: ‘બેટા! મને કહે તો ખરો, એકાએક તને શું થયું?’

પણ બાળકે ઉત્તર આપ્યો નહીં. આ સુનીતિનો સુશીલ પુત્ર હતો, સંસ્કારી હતો. જેની માતા સુનીતિ હોય તેનો પુત્ર પણ નીતિમાન ને સંસ્કારી હોય. માતાનો ગુણ બાળકમાં ઊતરે છે. ધ્રુવે વિચાર્યું કે જો માતાને બધી વાત કહીશ તો મને માતા-પિતાની નિંદા કર્યાનું પાપ લાગશે. આમ વિચારી મૌન સેવ્યું. પરંતુ એક દાસીએ આવીને સુનીતિને બધી વાત કહી દીધી. તે જાણીને રાણી સુનીતિને પારાવાર દુઃખ થયું.

કાશ્મીરનો પ્રશ્નઃ કાશ્મીરનો પ્રશ્ન ખુબ જ ગુંચવાયો છે, કારણ કે એની પાછળ નહેરુની સચ્ચાઈની નીતીને એના વીશ્વાસુ સાથીદારોએ દગો કર્યો અને અમેરીકા અને બ્રીટન યુનાઈટેડ નેશનમાં પાકીસ્તાનને પડખે રહ્યાં. ઉપરાંત પાકીસ્તાને યુનાઈટેડ નેશનના નીર્ણયોનો અમલ ન કર્યો.

કાશ્મીરના જે લોકો હીન્દથી વીરુદ્ધ છે તેને પાકીસ્તાની લશ્કરે હથીયાર અને સૈનીકની મદદ શરુ કરેલી અને તે વ્યવસ્થીત રુપે મોટા પ્રમાણમાં. સરદાર આ બધી પરીસ્થીતીનો ચીવટપુર્વક અભ્યાસ કરતા હતા. એમને એવું લાગ્યું કે આપણે પાકીસ્તાનને ભાગે પડતાં નાણાં આપીએ છીએ તે નાણાંમાંથી પાકીસ્તાન હથીયાર ખરીદે અને તે હથીયારો આપણી સામે વાપરે છે, જેથી આપણે હાલ નાણાં આપવાનું બંધ કરવું જોઈએ. એ વીષય અંગે નહેરુએ માઉન્ટ બેટનને કહ્યું. તેણે કહ્યું કે નાણાં આપી દેવાનાં. સરદારનું કહેવું હતું કે કાશ્મીરના પ્રશ્નનો નીકાલ કર્યા બાદ આપવાં. આ મુદ્દા પર સીધા જ મતભેદ પડેલા, અને સરદાર છુટા થવા તૈયાર થઈ ગયેલા. મહાત્માજી વચ્ચે પડેલા અને સરદારને શાંત કરેલા. ગાંધીજી સંપુર્ણ સમાધાન કરે તે પહેલાં એમનું ખુન થયેલું. ગાંધીજીને અપેલા વચનને ખાતર સરદારે નહેરુ સાથે જીવનના અંત સુધી કામ કરેલું.

કાશ્મીરમાં મુસ્લીમોની બહુમતી હોવાથી પાકીસ્તાનનો દાવો છે અને એ દાવા પર બધા સંપુર્ણપણે વીચાર કરતા નથી. કાશ્મીરના મુસ્લીમોની વસ્તી કરતાં હીન્દુસ્તાનના મુસ્લીમોની વસ્તી અનેકગણી છે. જો હીન્દના મુસ્લીમોને હીન્દુસ્તાન સાચવી શકે તો કાશ્મીરના મુસ્લીમોને જરુરથી સાચવી શકે. કાશ્મીરના મહારાજાએ કાશ્મીરને હીન્દુસ્તાન સાથે જોડાવાની વ્યવસ્થા કરી છે. ત્રાસવાદી મુસ્લીમોને પાકીસ્તાન અનેક વાર લશ્કરી સહાય આપે છે. અને હજારો હીન્દુઓને ખતમ કરી નાખ્યા છે. અનેક હીન્દુ પંડીતો કાશ્મીર પ્રદેશ છોડીને હીજરત કરી ગયા છે. હીન્દુઓના ધાર્મીક સ્થળો ઉપર પણ જાત્રાના પ્રસંગે હુમલા કરી ત્રાસ વર્તાવે છે. અપાર ત્રાસ અને ખુવારી બધું હીન્દી સરકાર સહન કરીને ચાલ્યા કરે છે. બચાવ કરવા માટે અનેક યોજનાઓ કરે પરંતુ પહાડી પ્રદેશ હોવાથી સંપુર્ણ રક્ષણ કરી શકાતું નથી. હીન્દુસ્તાનના પ્રદેશ પર અનેક હુમલાઓનો આપણે હજુ ન્યાય મેળવી શક્યા નથી. સંભવ છે કે સરદાર હોત તો પરીસ્થીતી જુદી હોત. જાણ્યે અજાણ્યે નહરુનાં પગલાંથી આજે આપણી આ પરીસ્થીતી છે. અને પાકીસ્તાનની નીતીને ધ્યાનમાં લેતાં પ્રદેશ પર સંપુર્ણ શાંતી સ્થાપવી મુશ્કેલ છે. યુવાન મુસ્લીમોને જેહાદનું શીક્ષણ આપવામાં આવે છે. એ બધા યુવાન દેહનું બલીદાન આપી દે છે. એનાં માતા-પીતા વીલાપ કરે છે. કેટલીક વાર પરદેશી પત્રકારોનું પણ અપહરણ કરી લઈ તેમની કતલ કરી નાખે. જેથી બીજાઓ ત્યાં જવાની હીંમત ન કરે. આગળના ચાર પત્રકારોનો હજી પણ પત્તો નથી. એ બતાવે છે કે ત્યાં અરાજકતા પ્રવર્તે છે. કાશ્મીરની વીગતો પુરી નથી. ઈતીહાસ બતાવે છે કે ત્યાં રાજસત્તા વારંવાર બદલાતી હતી. અને અમુક વર્ષો સુધી ત્યાં શીખ લોકોનું રાજ હતું. બ્રીટીશરોના રાજ દરમીયાન એ હરીસીંગ રાજાનું સ્ટેટ હતું. અને તેણે પરીસ્થીતીને ધ્યાન પર લઈને હીંદની સરકારને સોંપેલું. ત્યાર પછીના અનેક ગંભીર બનાવો આપણી નજર સમક્ષ બન્યા છે અને બન્યા જ કરે છે.

આપણા અનેક રાજકર્તાઓએ સમાધાન માટે પ્રયત્નો કર્યા. પરંતુ તેમાં સંપુર્ણ સફળતા મળી નથી. કાશ્મીર માટે હીંદી સરકારે કરોડો રુપીયા ખર્ચ્યા અને હજુ પણ ખર્ચ્યે જાય છે. દુનીયામાં અન્યાયોના કારણે શાંતી સ્થપાતી નથી. લોકશાહીની પદ્ધતીથી પ્રયત્નો ચાલુ છે. પરંતુ જ્યાં ને ત્યાં નાના મોટા ઝઘડા થયા જ કરે છે. હજારો યુદ્ધમાં મરે અને હજારો માનવી ભુખથી મરે છે. વીશ્વમાં અનેક યોજનાઓ કરવામાં આવે પરંતુ તે સફળ થતી નથી, કારણ કે માનવીના મનમાં પક્ષાપક્ષી જીવીત છે, ને ત્યાં સુધી અન્યાય અને વીગ્રહો ચાલુ રહેવાના.

દેશી રજવાડાં સરદારની ખરી કસોટી તો દીલ્હીની રાજસભા સંભાળવા પછીથી થયેલી. નહેરુ વડાપ્રધાન પણ બંધારણીય અને વહીવટી તંત્ર અંગે સરદાર નીર્ણય કરતા. સરદાર નહેરુથી જુદો અભીપ્રાય આપતાં અચકાતા નહીં, અને કેટલીયે વાર ગાંધીજીને વચ્ચે પડવું પડતું.

બ્રીટીશ સરકાર પાકીસ્તાનના ભાગલા પાડી ખસી ગઈ ત્યારે દેશી રાજ્યો માટે ખાસ કાંઈ નીર્ણય લીધેલો નહીં અને એમને યોગ્ય લાગે તેની સાથે જોડાવા માટે એ સ્વતંત્ર છે એમ કહી ગયેલા. આ બધા રાજાઓને સમજાવીને યુદ્ધ કર્યા વીના હીન્દુસ્તાન સાથે જોડાવાનું કાર્ય સરદારે કરેલું. બધાને આમંત્રણો મોકલી બોલાવ્યા. કેટલાક આવ્યા, કેટલાક નહીં. કેટલાકને ફરીથી આમંત્રણ આપ્યાં. વાતચીતમાં સરદારે એ બધાને મહત્ત્વના મુદ્દાઓ કહ્યા. કારણ કે અમુક રાજાઓ જક્કી હતા. એમને નીવૃત્ત કરીને યોગ્ય પેન્સન બાંધી આપીએ. પાર્લામેન્ટના સભ્ય બની મીનીસ્ટર સુધીની સગવડ આપીએ. તથા ઉચ્ચક મોટી રકમ જોઈતી હોય તો તે આપીએ. અમુક રજવાડાંઓ માની ગયેલાં અને અમુકે ન માનેલું. તેવાઓને આખરી સંદેશો આપેલો કે આવી મોટી બ્રીટીશ સરકાર પાસે સત્તા છોડાવી તો પછી તમારું શું ગજું? લગભગ બધા જ જોડાયેલા, પરંતુ બેત્રણ મુસ્લીમ રાજ્યો ન જોડાયેલાં. કાઠીયાવાડનું એક જેને પ્રજાના સત્યાગ્રહથી જીતેલું (શામળદાસ ગાંધીની આગેવાનીથી). હૈદ્રાબાદના નીઝામે માનેલું નહીં. એમની સાથે સમાધાનની વાટાઘાટ માટે સરદારે મુંબઈથી મુન્શીને મોકલેલા. સમાધાન ન કરતાં નીઝામે મુન્શીને કેદ કરેલા. સરદારને લાગ્યું કે વાટાઘાટથી સમાધાન થવાનું નથી ત્યારે એમણે લશ્કરથી કબજો લેવાનો નીર્ણય કર્યો. એ નીર્ણયના અમલ માટે કેબીનેટની પરવાનગી માગી. ગંભીર ચર્ચાઓ બાદ બધા સંમત થયેલા. શરુઆતમાં નહેરુ પણ શંકાશીલ હતા. અંતે હીન્દી લશ્કર લઈને સરદાર પોતે સરદારી લઈને હૈદરાબાદ પર ગયા અને એક જ દીવસમાં ખાસ ખુવારી વીના કબજો લીધો. મુન્શીને મુક્ત કર્યા. દેશના વાતાવરણમાં તરત જ શાંતી સ્થપાઈ.

દેશમાં સહુથી વધારેમાં વધારે મહત્ત્વનું કાર્ય કોઈએ કર્યું હોય તો તે સરદાર વલ્લભભાઈએ. જેનાં થોડાં સ્મરણો યાદ કરીએ.

દાંડી નીમક સત્યાગ્રહ પહેલાં ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયેલો. મહેસુલ નહીં ભરવાના મુદ્દાઓ પર બ્રીટીશ સરકારે ગંભીર ત્રાસ વર્તાવેલો. ખેડુતોના ઘરોની જડતી લઈ માલમીલકત બધું કાઢી લઈ ગયેલા. ઢોર બળદો પણ કાઢી લઈ ગયેલા. જડતી લીધેલા માલનું લીલામ કરેલું. ઘરમાં બંધાઈ રહેલાં ઢોરો ધોળાં થઈ ગયેલાં. લોકોને ઘરબારમાંથી કાઢી મુકેલા. લોકો આમ તેમ સગેવહાલે જઈને રહેલાં. સરકારે જમીન હરાજી કરેલી તે કેટલાક પારસીઓએ સસ્તી મળતી હોવાથી લીધેલી. પરંતુ સરદારે અને પ્રજાએ નમતું તોલેલું નહીં. પરંતુ જીતેલા એમ કહીએ તો ખોટું નથી. ખેડુતોએ સરદારને કહ્યું કે કોઈક જગ્યાએ જમીન મળતી હોય તો અમે ખેતી કરીએ. આ વીષય પર સરદારે ઉંડો વીચાર કર્યો, અને માંડવીથી આગળ રાજપીપળા સ્ટેટ (દેશી રાજ્ય)ના રાજાને મળીને એમનાં જંગલો યોગ્ય કીંમતે આ ખેડુતોને વેચવાનું કહ્યું. તે પ્રમાણે જંગલો ખરીદી, ઝાડો કાપી, મુળીયાં કાઢી, જમીન સાફ કરી ખેતી કરવાનું કામ શરુ કર્યું. આ હકીકત રમુજી છે. ક્રાંતીકાળમાં નીરાશ્રીત તરીકે મેં રાજમાં પાંચેમ ગામે ધામણના ધીરજભાઈ ગોરધનને ત્યાં કાઢેલાં. ત્યારે એ ખેતી અંગેની વીસ્તૃત વીગત મેળવેલી. જંગલો ખરીદે, ઝાડો કપાવે, તેનાં ઈમારતી લાકડાં વેચે. ડાળ-પાંખડાં બાળવા માટે વેચે. થડ-મુળીયાં કોલસા માટે વેચે. આ બધી વીધી કરતાં વ્યવસ્થીત મહેનત કરવી પડે. પછીથી જમીન ચોખ્ખી થાય. ત્યારે પાણીના નીકાલ માટે મોટી નીકો કરવી પડે. એનું નાની નદીઓના વહેણ સાથે સંગમ કરાવવું પડે. ધીરજભાઈ પાસે પાંચેમમાં ૧૨૦૦ વીઘાં આવી જમીન. ત્રણ દીકરા પૈકી એક કાયમ ત્યાં રહે. બાકીના બે ધામણથી આવજા કરે. ધામણમાં ત્રીસ વીઘાં જમીન. ખાનદાની જબરી. હું ત્યાં હતો તે દરમીયાન ધીરજકાકાને મેં રામકબીર ગ્રંથ વાંચી સંભળાવેલો. ખેતી કરવાની પદ્ધતીનો મેં અભ્યાસ કરેલો. ખેડેલી જમીનમાં બે ચાસ કપાસ લીધા પછીથી બે ચાસ ખેતરનું હલકું ભાત ઓરવું એ રીતે ભાતમાં ક્યાંક થોડી તુવેરની છાંટ નાખવી. આ ભાત આસો માસમાં કાપી લેવાયા બાદ કપાસને વીકસવા માટે પુરતી જગ્યા મળી રહે. અમુક ખેતરોમાં જુવાર પણ ઓરે. આ ખેડુતોએ ભાત અને કપાસનો પાક એટલો બધો લીધો કે ઝગડીયા અને નેત્રંગમાં કપાસ અને ભાતનાં કારખાનાં ઉભાં કર્યાં. આથી એક આખો ઉદ્યોગ શરુ થયો. ગોરધનભાઈ ભક્તના કાકાએ રાજપરા ગામે ખેતી ઉપરાંત ઈમારતી લાકડાં વેચવાની એક વખાર ઉભી કરી હતી. ત્યાં અમારા ભત્રીજા રણછોડભાઈ ગોવીંદ રહી આવેલા. બારડોલી વીસ્તારના ખેડુતોની જમીન ગયેલી તેવા અનેક ખેડુતો રાજપીપળા સ્ટેટમાં સ્થીર થયેલા. જ્યારે પ્રાંતીય સરકાર રચાયેલી ત્યારે આ ખાલસા થયેલી જમીન સાચા ખેડુત માલીકોને સરદારે પાછી અપાવેલી.

 

સરદાર વલ્લભભાઈ પટેલ

વિકાસની વાતોમાં નીતિશાસ્ત્ર એ પહેલું પગથિયું છે. જો તમે રાજનીતિ, સમાજનીતિ, અર્થનીતિ વગેરેમાં પારંગત હો,જાણકાર હો તો જીવનમાં સફળતાનાં દ્રાર આપોઆપ ખૂલી જાય છે, લોકચાહના મળે છે તથા જીવન જીવવાનો સંતોષ મળે છે. માનવીની તેજસ્વિતા તથા ગહન બુદ્ધિની પરીક્ષા એ જ છે કે તે ચાણક્યના લખેલા નીતિશાસ્ત્રની એરણ પર ખરી ઊતરે! જો તમે આ નીતિશાસ્ત્ર સમજો, વ્યવહારમાં ઉતારો તો દરેક મુશ્કેલ પળમાં પણ એ કામ આવશે. આવા અદભૂત જ્ઞાનના કેટલાક અંશો અહી આપવા કોશિશ કરી છે, જેથી આ નીતિશાસ્ત્રનો આસ્વાદસૌ માણે. તેના વિચારોને ટૂંકી જાણકારીના સ્વરૂપમાં કોઈપણ જાતની ટીકા-ટિપ્પણી વગર આપ્યા છે.

ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ.

જ્યાંઆદર સન્માન ના હોય ત્યાં આજીવિકાનું સાધન ના મળે ત્યાં રહેવું નહિ.

કામ સોંપો ત્યારે નોકરીની, દુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે.

જે નિશ્વિતને છોડી, અનિસ્વિતની પાછળ દોડે છે, તે નાશ પામે છે.

નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો ગુણ વિદ્યા હોય તો શીખી લેવું.

મીઠી મીઠીવાતો કરે, પણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો.

મનમાં વિચારેલી વાતને જાહેર કરવાને બદલે તેને કાર્યાન્વિત કરવી.

જેમ બધા પર્વતો પર રત્નો નથી મળતાં, તેમ બધાં સ્થાને સજ્જનો નથી મળતાં.

ખરાબ ચારિત્ર્યવાળા તથા વિના કારણ હાનિ પહોંચાડનારા સાથે મિત્રતા કરશો તો નાશ પામો છો.

મનુષ્યના વહેવારથી તેના કુળનો પરિચય મળી જાય છે.

દુષ્ટ વ્યક્તિ અને સાપ એ બન્નેમાં સાપ વધુ સારો છે, કારણકે તે એક જ વાર કરડે છે.

વિદ્યા વગરનો માણસ હંમેશા ઉપેક્ષિત રહે છે.

પુરુષાર્થ કરવાવાળો કદાપિ ગરીબ રહેતો નથી.

જેમ એક સુગંધિત વૃક્ષ આખા બગીચામાં ફોરમ ફેલાવે છે તેમ એક સુપુત્ર આખા કુટુંબની શોભા વધારેછે.

જેમ એક સુકા વૃક્ષને આગ લાગતાં આખું જંગલ બળી જાય છે, તેમ એક મુર્ખ પુત્ર આખા કુટુંબને નષ્ટ કરી નાખે છે.

જ્યાં પતિ-પત્ની વચ્ચે ઝધડો થતો નથી ત્યાં લક્ષ્મી આવીને વસે છે.

આ સંસારમાં ત્રણ વાતથી શાંતિ મળે છે, – સારું સંતાન, પતિવ્રતા સ્ત્રી તથા સજ્જનનો સત્સંગ.

જેમાં દયા અને મમતા ન હોય તેવા ધર્મનો ત્યાગ કરવો.

સોનાની ચાર કસોટી છે ઘસવાનું, કાપવાનું, તપાવવાનું તથા કૂટવાનું. એમ મનુષ્યની પણ ચાર કસોટી છે. સજ્જનતા, ગુણ, આચાર,વ્યવહાર.

સાફ વાત કરવાવાળો ધોખેબાજ નથી હોતો.

શ્રેષ્ઠ પુરુષોની ઓળખાણ તેમના ગુણોથી થાય છે

જ્ઞાનથી ધર્મની રક્ષા કરી શકાય છે.

સત્યના લીધે જ પૂથ્વી સ્થિર છે.

આ સંસારમાં લક્ષ્મી, જીવન, યૌવન સર્વ નાશવંત છે, ફક્ત ધર્મ સ્થિર છે.

મનુષ્ય જેવું ધન કમાય છે, તેવું જ સંતાન જન્મે છે.

સંતોષથી મોટું કોઈ સુખ નથી, લાલચથી મોટો કોઈ રોગ નથી.

વિદ્રાનની હંમેશા પ્રશંશા થાય છે.

જે બીજાના ભેદ પ્રગટ કરે છે, તે નષ્ટ થઈ જાય છે.

જેનામાં યોગ્યતા નથી, તેને ઉપદેશ આપવો વ્યર્થ છે.

આ સંસારમાં એવો કોઈ ઉપાય નથી, જેનાથી દુર્જનને સજ્જન બનાવી શકાય.

જે પોતાનો સમુદાય છોડી, બીજાના સમુદાયમાં આશ્રય લે છે, તે નષ્ટ થઈ જાય છે.

જે ધન પ્રત્યે આસક્તિ રાખે છે, તે સત્ય બોલી શક્તો નથી.

સજ્જન પુરુષનાં દર્શનથી પુણ્ય પ્રાપ્ થાય છે, કારણકે તે તીર્થસ્વરૂપ છે.

વ્યક્તિને દરેક સ્થાનેથી કાંઈક ને કાંઈક શીખવા મળે છે.

વગર વિચારે બોલવાવાળો જલદીથી નાશ પામે છે.

બુદ્ધિમાન વર્તમાન સમય પ્રમાણે જ કામ કરે છે.

સ્નેહ અને પ્રેમ બધાં દુઃખોનું મૂળ છે.

આવનાર વિપત્તિનો વિચાર કરી તેનો સામનો કરવા તૈયાર રહેનાર સુખી થાય છે.

પ્રજા એવું જ આચરણ કરે છે જેવું રાજા (રાજનેતા) કરે છે.

મનુષ્ય પોતાના વિચારોનો જ દાસ છે.

આ પૃથ્વિ પર ત્રણ જ રત્ન છે, પાણી, અન્ન અને હિતકારી વચન.

સુપાત્રને દાન અથવા બુદ્ધિમાનનું જ્ઞાન આપોઆપ જ રેલાઈ જાય છે.

જે વ્યક્તિ અવસર પ્રમાણે પોતાની ગરિમા પ્રમાણે બોલે છે તે જ વ્યક્તિ મહાન છે.

સજ્જન વ્યક્તિ નિર્ધન થઈ જવા છતાં સજ્જનતા નથી છોડતી.

મનુષ્યને સારા ગુણોથી શ્રેષ્ઠતા મળે છે ઊંચા આસનથી નહીં.

પુસ્તકોમાં પડેલી વિદ્યા તથા બીજા પાસે પડેલું ધન શા કામનું !

જે જેવો વ્યવહાર કરે, તેવો વ્યવહાર તેની સાથે કરવો.

જેનામાં લોભ હોય, તેને બીજી બુરાઈની શી જરૂર!

જે સત્ય બોલે છે, તેને તપ કરવાની શી જરૂર છે !

જે લોકો સંસારમાં ફક્ત ધનની ઇચ્છા રાખે છે તે અધમ છે, જે ધન તથા સન્માન બન્નેની આશા રાખે છે તે મધ્યમ છે,પણ ઉત્તમ મનુષ્યો ફક્તસન્માનની જ આશા રાખેછે.

ચાણક્યનીતિ એ વિશ્વની શ્રેષ્ઠ ફિલોસોફી છે. એનું રહસ્ય જે સમજી શકે છે તે કોઈથી મહાન થતા નથી, જીવનમાં આગળ જવું હોય તો ચાણક્યને સમજવા પડે.

 

 

 

 

ચાણક્ય નીતિ + ચતુરાઈ ની નીતિ

 

ખોટું બોલવું , વિચાર્યા વિના કોઈ કાર્ય કરવું ,છળકપટ કરવું , મૂર્ખતા , વધુ પડતો મોહ ,ગંદકી અને નિર્દયતા -આ સ્ત્રીઓના સ્વાભાવિક દોષ છે.

સુંદર ભોજન , એ માટે જરૂરી પાચનશક્તિ , કામેચ્છા અને કામશક્તિ, સુંદર સ્ત્રી ,વૈભવ -વિલાસ અને દાન કરવાનું સામર્થ્ય -આ છ સુખ કોઈ ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે. તે પૂર્વજન્મનાં પુણ્ય અને અખંડ તપસ્યાનું ફળ છે.

જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય , જે પોતાના ધન -વૈભવ થકી સંતુસ્ટ હોય તેને માટે અહી પૃથ્વી પર જ સ્વર્ગ છે.

જે પિતાની સેવા કરે છે તે જ પુત્ર છે. જે પોતાના પુત્રનું પાલનપોષણ કરે છે તે જ સાચો પિતા છે. જે વિશ્વાસપાત્ર હોય તે જ મિત્ર છે અને હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે.

જે તમારી સામે તમારા કાર્યોની પ્રશંસા કરે અને તમારી પીઠ પાછળ તમારું કાર્ય બગાડે તેવો મિત્ર ઉપરથી દૂધ ભરેલા વિષયુકત  ઘડાની સમાન છે .તેનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે

જે કુમિત્ર છે તેનો કદાપી વિશ્વાસ ન કરવો અને જે મિત્ર છે તેની પર પણ આંધળો વિશ્વાસ ના કરવો તે ક્યારેક ગુસ્સામાં આવીને પણ તમારી વાત જાહેર કરી શકે છે.

જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હોય તેને ખાનગી રાખો. તે શરુ થાઈ ત્યારથી પૂરું ના થાય ત્યાં સુધી કોઈને પણ ન જણાવશો.

મૂર્ખતા , યૌવન દુઃખદાયક છે, પરંતુ પરવશ થવું તે તો સૌથી વધુ દુઃખદાયક ગણાય છે.

દરેક પર્વત પરથી હીરા માણેક મળતા નથી અને દરેક હાથી ના મસ્તકમાંથી મણી મળતા નથી ,તેજ રીતે સમાજમાં દરેક સ્થળે સંતો મળતા નથી અને દરેક જંગલમાં ચંદનના લાકડા મળતા નથી.

બુધ્ધિમાન લોકોએ પોતાના સંતાનોને હંમેશા સદાચારનું જ્ઞાન આપવું જોઈએ .નીતિવાન અને સદાચારી જ લોકો સમાજમાં પુજાય છે.

સંબધોની કસોટી

કોઈ મહત્વપુર્ણ કાર્ય દરમિયાન સેવકની ,દુઃખ આવી પડે ત્યારે સગા-સંબંઘીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરીદ્રવ્સ્થામાં પત્નીની કસોટી થાય છે.

સાચો મિત્ર

કોઈ રોગ થયો હોય ,દુઃખ આવી પડે, દુકાળ પડે, શત્રુ જયારે કોઈ મુશ્કેલી સર્જે,રાજધ્વાર ,સ્મશાન કોઈના મૃત્યુ નાં સમયે જે વ્યક્તિ સાથ ન છોડે ,એજ સાચા મિત્ર છે.

મૂર્ખાઈ

જે વ્યક્તિ નિશ્ચીત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ ભાગે છે ,તેના હાથમાં આવેલું કાર્ય પણ ગુમાવે છે.

 

વિવાહ

પોતાનાથી નીચા કુળમાં જન્મેલી કન્યા સુંદર અને સુશીલ હોવા છતા તેનો ત્યાગ કરવો જોઇએ , કારણકે કે વિવાહ સમાન કુળમાં જ શોભે છે.

કોનો વિશ્વાસ ના કરાય ?

લાંબા નખવાળા પ્રાણીઓ, નદીઓ, મોટા શીંગડાવાળા પ્રાણીઓ ,હથિયારધારી વ્યક્તિ, સ્ત્રીઓ અને રાજ પરિવારો આ છએ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન મુકવો. સાધન નહિ સાધ્ય મહતવપૂર્ણ

અમૃત ઝેરમાં વિટાયેલું હોય,સોનું અશુદ્ધ ચીજોમાં હોય, ઉતમ વિદ્યા નીચી વ્યક્તિ પાસે થી મળે તો, નીચા કુળમાં જન્મ થયેલી ઉતમ ગુણવાળી ,સુશીલ કન્યારુપી રત્નનો સ્વીકાર કરવો જોઇએ.

સ્ત્રી સમોવડી

પુરુષ કરતાં સ્ત્રીઓનું ભોજન બમણું ,અક્કલ કાર ગણી, સાહસવૃતિ છ ગણી અને કામેચ્છા આઠ ગણી હોય છે.

રક્ષણ

મુશ્કેલીના સમયે લડવા ધન નો સંચય કરવો જોઈએ .ધન કરતાં પત્નીનું વધુ રક્ષણ કરવું  જોઈએ , પરંતુ પોતાનો જ જીવ જોખમ માં હોય ત્યારે ધન અને પત્ની ને પણ છોડતા અચકાવું  જોઈએ નહિ.

ચંચળ લક્ષ્મી

લક્ષ્મી ચંચળ જ હોય છે એટલે મુશ્કેલીના સમયે સંચીત ધન પણ નસ પામે છે. ક્યાં ક્યાં ના રહેવાય ?

જે દેશ માં માન-સન્માન  ન મળે અને રોજગારી ના મળે, જયાં કોઈ આપણા સગા ના રેહતા હોય અને અભ્યાસ કરવો શક્ય ના હોય ત્યાં રેહવાનો કોઈ ફાયદો નથી .

જે દેશમાં કોઈ શેઠ ,વિદ્વાન ,રાજા,વૈધ  કે કોઈ નદી ના હોય ત્યાં પણ રેહવું ના જોયે.

અયોગ્ય પ્રદેશ

જે દેશ માં રોજી રોટી ના મળે ,જયાંના લોકો માં ભય ,શરમ, ઉદારતા  અને દાન કરવાની વૃતિ ના હોય  તે પાંચ સ્થાનમાં ના જ રેહવું.