Archive for March, 2013

ઘરમાં રહું છું હું, ને મુજમાં રહે છે ઘર,
લોહી બની સદા આ નસમાં વહે છે ઘર !
હોઉં છું જ્યારે ઘરમાં કિંમત નથી કશીયે,
છેટો પડું તો પળપળ કાં સાંભરે છે ઘર ?

સ્થળકાળથી યે ઉપર સંબંધ છે એહ સંગે,
સ્વજનોને લઈને સ્વપ્ને લ્યો સાંભરે છે ઘર !
આધિ વ્યાધિ જ્યાં થાય છે અશેષ,
સુખ-સ્નેહની સરિતા માંહી સરે છે ઘર.

હો ઝૂંપડી, મહલ કે તરણાં તણો જ માળો,
સરખાં જ પ્રેમ-ઉષ્મા સહુને ધરે છે ઘર !

ઘર એ સંસ્કૃતિનું કેન્દ્ર છે. કરોડો વર્ષ પહેલાં પ્રચંડ સૂર્યમાળામાંથી એક નાનકડો ધગધગતો ટુકડો અલગ થયો. કાળક્રમે એ ઠંડો પડ્યો. એમાંથી આપણી આ ધરતીનો જન્મ થયો. લાખો વરસ પહેલાં આ ધરતી પર માનવ-પ્રાણી અસ્તિત્વમાં આવ્યું. માણસ ધીરે ધીરે સભ્યતા પ્રાપ્ત કરવા માંડી. ભટકતું જીવન છોડીને એ ગુફાવાસી બન્યો. ગુફાને સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્નનું પરિણામ એટલે ઘર !

આમ સભ્યતાના વિકાસક્રમને પરિણામે ઘરનો જન્મ થયો. ઘરમાંથી ઉદ્દભવ પામી છે સંસ્કારિતા. ઘર વગર પરિવારની, પરિવાર વિના સભ્યતાની અને સભ્યતા વગર સંસ્કૃતિની કલ્પના કરવી મુશ્કેલ છે. આ ધરતી પોતાની ધરી ઉપર રાતદિવસ ફરતી રહે છે. એની અંદર કશુંયે સ્થિર હોય તો તે આપણું ઘર ! એવું ઘર કે જ્યાં આખા દિવસનો થાક્યોપાક્યો માણસ ‘હાશ’ અનુભવે છે. નિરાંતનો શ્વાસ લે છે. શ્રમિત ગૃહસ્થ પોતાના ઘરમાં વિશ્રામ પામે છે, આરામ મેળવે છે ને જીવનસંઘર્ષ માટે ફરી તૈયાર થાય છે. આપણી આ ધરતી ખૂબ લાંબીપહોળી છે. આપણા લાડીલા કવિ ઉમાશંકર જોશીએ ‘વિશ્વશાંતિ’માં ગાયું :

વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ.

આ વિશાળ સૃષ્ટિ પર માણસ પોતે અલ્પતાનો અનુભવ કરે છે. પણ ખરી ખૂબી છે ઘરની, કે ઘર દેખતાં જ બધી અલ્પતા ખરી પડે છે. ઘરમાં દાખલ થતાં જ પરાયાપણાનો ભાવ બરફ ઓગળે એમ ઓગળી જાય છે. પોતીકાપણાનો ભાવ જાગે છે. મમતાનો મહેરામણ હિલ્લોળા લેવા લાગે છે. ઉમળકો ઊભરાય છે ! આવા ઘરને નિર્જીવ કહેવાય જ કેમ ? આપણું સૌથી નિકટ સ્વજન, આત્મીયજન કોઈ હોય તો તે છે ઘર ! ઘરને દૂરથી દેખીએ છીએ, ને જાણે કે આપણને આવકારવા એ આપણી સામે દોડી આવે છે. દીવાલો આપણી સામે હાથ લંબાવે છે. બારણું પોતાનું હૃદય ખોલે છે. આપણને આલિંગવા માટે એ અધીરું છે. આપણે ઘર વિના જેટલા સૂના, એથીયે વધારે સૂનું આપણા વિના ઘર !

અફાટ રણ વચ્ચે અથડાતા-કૂટાતા મુસાફરને અચાનક રણદ્વીપ મળી આવે, ને એ જે આનંદ-રોમાંચ અનુભવે એવો આનંદ ઘરમાં પગ મૂકતાં જ થાય છે. કેટલાક લોકો ઘરનું પણ નામ પાડે છે. આ નામ પણ ઘણી વાર ખૂબ સૂચક હોય છે. જેમ કે, ‘વિસામો’, ‘વિશ્રામ’, ‘વિરામ’, ‘આરામ’, ‘નિરાંત’, ‘નિસર્ગ’, ‘સેતુ’, ‘આનંદ’, ‘ઈશાવાસ્યમ’ આદિ. આપણાં જાણીતાં સમાજસેવિકા તથા સર્જક સ્વ. વિનોદિની નીલકંઠના ઘરનું નામ છે : ‘હાશ’. કેવું સૂચક ને સરસ નામ !

તમે ભલે દુનિયાભરમાં ઘૂમી વળો, ભલે મોટા મોટા મહેલોમાં આતિથ્ય માણો, ભલે રાજમહેલ જેવા આલીશાન ભવનોમાં દોમદોમ સાહ્યબી વચ્ચે દિવસો ગુજારો, ભલે પંચતારક હોટલોમાં વાયુઅનુકૂલિત કમરાઓમાં ચારે બાજુ નોકર-ચાકરોની વચ્ચે દિવસો પસાર કરો, ચળકતા ગણવેશ ધારણ કરેલ સ્ત્રીઓએ પીરસેલ બત્રીસ પકવાન અને છત્રીસ શાક આરોગો, સલામ મારતા સેવકો ભલે રાત-દિવસ તમારી તહેનાતમાં ખડે પગે હાજર હોય : આ બધું છતાંયે તમને હાશકારાનો અનુભવ તો નહીં જ થાય. હાશનો અનુભવ થશે, તમારા પોતાના ઘરમાં. પછી ભલે તમારું ઘર મઢૂલી સરખું જ કેમ ન હોય ! એના અસબાબમાં માત્ર કાથીના વાણની ખાટલી અને ગાભાની કંથા જ કેમ ન હોય ! મઢૂલીના ખૂણામાં પડેલી ઠંડા પાણીની મટુકી તમને જે શીતળતા આપશે, એની શતાંશ શીતળતા પણ પેલી પંચતારક હોટલના રેફ્રીજરેટરનું પાણી નહીં આપે. અંગ્રેજી કવિએ ઘરને ‘હોમ ! સ્વીટ હોમ !’ અમસ્થું જ નથી કહ્યું.

ઘરથી દૂર ગયા પછી જ ઘરનો મહિમા સમજાય છે. આજીવિકા માટે સવારે ઘરથી દુકાને, ઑફિસ કે કારખાને નીકળી ગયેલા ગૃહસ્થ સાંજે જ્યારે ઘર ભણી વળે છે ત્યારે એના પગમાં કેવો તરવરાટ હોય છે ! અરે ! સંધ્યા વેળાએ ઘર તરફ (કે વાડા તરફ) પાછી ફરતી ગાય, પોતાના વાછરુંને મળવા માટે કેટલી આતુર હોય છે ! પોતાના માળા તરફ પાછાં ફરતાં પંખીઓ આનંદનાં કેવાં ગીતો ગાતાં હોય છે ! પશુ-પંખીને પોતાના વાડા કે માળાની જો આટલી મમતા હોય તો માણસને પોતાના ઘર માટે અપાર મહત્વ કે મમત્વ હોય એમાં શું આશ્ચર્ય ? ઘર આપણને ટાઢ, તડકા કે વરસાદ સામે સંરક્ષણ બક્ષે છે. સુગરી પણ માળો બાંધીને સુરક્ષા મેળવે છે. પક્ષીઓ પણ માળો બાંધે છે. ‘માળો’ શબ્દ કેવો મીઠો લાગે છે ! કેમકે એની સાથે મમતા જોડાયેલી છે. મુંબઈવાસીઓ મકાનમાં નહીં, પણ માળામાં વસે છે ! એથી જ તો ગૃહનિર્માણના વ્યવસાયમાં પડેલા જાહેરાતમાં લખતા હોય છે : પક્ષીઓ પણ માળો બનાવે છે !

ઘર કેવળ રક્ષણ માટે નથી; પણ એ તો આત્મીયતાનો આધાર છે. મમત્વનો માળો છે; પરિવારના સંસ્કાર-નિર્માણમાં એનો બહુ મોટો ફાળો છે ! રાતના સમયે ઝડપથી ડગ ભરતો ગૃહસ્થ ઘર તરફ પાછો વળે છે તે કેવળ વિશ્રામ માટે જ નહીં, પરંતુ ઘરનાં જે આત્મીય સ્વજનો એની ઉત્કટ પ્રતીક્ષા કરી રહ્યાં છે, એ પ્રતીક્ષા એને માટે ચુંબકત્વનું કામ કરે છે. આત્મજનો, ગૃહસ્થને મળવા માટે જેટલાં અધીરાં છે, એથીયે વધુ અધીર પેલો ગૃહસ્થ સ્વજનોને મળવા માટે છે. પરસ્પરનો પ્રેમ એ જીવનનું સૌથી મોટું આકર્ષણ છે. જીવનનું અમૂલ્ય રસાયણ છે. સંસારચક્રને સરળતાથી ફરતું રાખતું અમોઘ ઊંજણ છે. આમ સહુને એક સૂત્રમાં પરોવનાર છે ઘર ! સૂત્ર વિના માળા વેરવિખેર થઈ જાય છે.

જે ઘરમાં કોઈ પ્રતીક્ષા કરનાર નથી, એ ઘર તરફ જે ડગલાં ભરાય છે, એમાં ઉત્સાહનો ભાવાવેગ હોતો નથી. આમ ‘ઘર’ શબ્દ અનેક અર્થચ્છાયા ધરાવે છે. દૂર દેશાવરમાં વસતો ગૃહસ્થ ગમે તેટલી સુખસાહ્યબી ભોગવતો હોય, વિશાળ મહાલયમાં વસતો હોય તો પણ વતનમાં આવેલા નાનકડા ઘરનાં દર્શન માટે એનું હૃદય જલ બીન મછલીની જેમ તરફડતું હોય છે. પરદેશમાં ભલે એ ધનની છોળો વચ્ચે જીવતો હોય, પરંતુ વતન ભેગા થવા માટે તેની આતુરતા તો અનુભવી જ સમજી શકે. વિદેશમાં વસતા પતિની ઉત્કટ પ્રતીક્ષા કરતી વિરહિણી નાયિકા તો આપણા પ્રશિષ્ટ સાહિત્યની બહુચર્ચિત ઉપાદાન-સામગ્રી બની છે !

હમણાં થોડો વખત પહેલા જ નેટ પર ‘પિતા’ વિષેના એક લેખમાં ફરિયાદના સૂરમાં કહેવાયું હતું કે માતા વિષે ખૂબ લખાય છે, કહેવાય છે, બોલાય છે, પણ પિતા વિષે એટલું બોલાતું નથી, કહેવાતું નથી કે લખાતું પણ નથી. લખનારની વાતમાં મહદઅંશે તથ્ય પણ છે. આ લેખમાં પણ શક્ય એટલા તટસ્થ ભાવે ગૃહસ્થ જીવનમાં માતા અને પિતાની ભૂમિકાને જરા અલગ દષ્ટિકોણથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. થોડી પૂર્વભૂમિકામાં માતા કરતાં પિતાને જીવનમાં કેમ ઓછું મહત્વ મળે છે તેનું સુક્ષ્મ વિશ્લેષણ કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અહીં ફક્ત સામાન્ય ઘરના માતાપિતાની જ વાત કરી છે. અતિ ધનવાન માતાપિતાની વાત ઘણી જ જુદી હોય છે, જેની અહીંયા ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. કુદરતી રીતે જ માતા અને પિતાના કાર્યક્ષેત્ર મહદઅંશે ભિન્ન હોવાં ઉપરાંત મનોવૈજ્ઞાનિક રીતે પણ થોડા જુદા પડતા હોય છે. માતાનાં કાર્યક્ષેત્રમાં બાળક માટે ગર્ભધારણ કરવો, બાળ જન્મ, બાળઉછેર એવાં કાર્યો છે કે જે પિતા ક્યારેય કરી શકે એમ નથી.

તે સિવાય વધારામાં ઘરની સારસંભાળ, સાફસફાઈ, ઘરના તમામ સભ્યોની પેટની ભૂખ સંતોષવા રસોઈ કરી પ્રેમથી જમાડવા, સહુને જમાડી પછી સહુથી છેલ્લે જમવું, બધાનો સમય સાચવવાનો, ઘરમાં શક્ય એટલા સહુને ખુશ રાખવાના, ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી વગેરે એવાં કાર્યો છે જે અત્યંત વિશિષ્ટ પ્રકારના છે. આવા બધા જ કાર્યોમાં માતાએ પોતાના પ્રેમ, લાગણી, સ્નેહ, આત્મીયતાને, મમતાને, વાત્સલ્યને નીચોવી નાખવા પડતા હોય છે. માતા ગમે તેવી ગંભીર માંદગીમાં પણ તેની જવાબદારી અને ફરજ નિભાવવાની પૂરતી કોશિશ કરતી હોય છે. વહેલા ઊઠી મોડા સૂવું, બધાની સગવડ અગવડનું બરાબર ધ્યાન રાખવું, સહુને સાચવી લેવા ને સંભાળી લેવા – આ દરેક કાર્યો એવાં અનોખાં, અનન્ય, અલગ અને અપૂર્વ છે જેને પરિપૂર્ણ કરવા કુદરતે માતાને અનોખી, આગવી આવડત અને સૂઝબૂઝ આપ્યા છે. માતાની પાસે ઘર ચલાવવા જે સમજણ, સહિષ્ણુતા, સબૂરી અને સમાધાનવૃત્તિ હોય છે તેવી અપેક્ષા પિતા પાસે રાખી શકાય નહિ. આથી જ પ્રેમાળ, માયાળુ, વાત્સલ્યપૂર્ણ માતાનું મહત્વ જીવનમાં મૂઠ્ઠી ઊંચેરું ગણાયું છે. જો કે માતાની મમતાની તોલે પિતૃપ્રેમની તુલના કરવી અયોગ્ય છે. માતાની સરખામણીમાં પિતા પોતાનો પરિવાર પ્રેમ પ્રત્યક્ષ સ્વરૂપે જલ્દીથી અભિવ્યક્ત કરી શકતા નથી. માતૃપ્રેમ માતાના વાણી વર્તન વ્યવહારમાં માયા, મમતા, વાત્સલ્ય, લાગણી દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપે તરત જ વ્યક્ત થઈ જતો હોય છે. પિતા પોતાના ફરજ, જવાબદારી પરિપૂર્ણ કરી પોતાની કર્તવ્યનિષ્ઠા દ્વારા પરોક્ષ સ્વરૂપે પ્રેમ અભિવ્યક્ત કરતાં હોય છે જેને આપણે ઓળખવામાં પાછા પડીએ છીએ. તેથી તેમને સમજવામાં પણ ગેરસમજ થતી રહે છે.

પિતાનું કાર્યક્ષેત્ર મહદઅંશે ઘર બહારનું હોય છે. તેથી તેમનો મોટાભાગનો સમય ઘર બહાર પસાર થતો હોય છે. સંતાનો માટે પિતાનો સંપર્ક સહજતાથી કે સરળતાથી કરી શકવાનું મુશ્કેલ હોય છે. સંતાનો પોતાની જરૂરિયાત કે સમસ્યાની સહુ પ્રથમ રજૂઆત માતા સમક્ષ કરતાં હોય છે. આમ સંતાનો માટે પિતા સુધી પહોંચવાનું માધ્યમ જ માતા હોય, સંતાનો માટે પૂરી સમજણ આવે ત્યાં સુધી તેમને માટે તો માતા જ સર્વસ્વ હોય છે. ઘણીવાર પરિવાર માટે માતાનાં ત્યાગ, ભોગ, બલિદાન એવાં અનન્ય હોય છે કે જેનો જોટો જડવો મુશ્કેલ હોય છે. તેથી સંતાનોની દષ્ટિએ માતાનું મહત્વ આ કારણે પણ ઘણું વધી જતું હોય છે. પિતાના મોટાભાગના કાર્યો બુદ્ધિથી કરવાના હોય છે. તેમાં ઘણીવાર લાગણીનું તત્વ નથી હોતું કે ઓછું હોય છે. ઘણીવાર પિતાએ કુટુંબના લાંબાગાળાનાં હિતમાં કડક, કઠોર, નિર્ણયો કરવા પડતા હોય છે કે લેવા પડતા હોય છે, જે પિતાને થોડાઘણા અળખામણા કે અપ્રિય બનાવી શકે છે. ઘણીવાર થાય છે એવું કે માતાના વધુ પડતા લાડ પ્રેમ અને મમતાના કારણે સંતાનોને અવળે રસ્તે ચડી જતાં વાર નથી લાગતી ત્યારે સંતાનોને સીધા રસ્તે લાવવા, પિતાએ અત્યંત કઠોર નિર્ણયો કુટુંબના હિતમાં ના છૂટકે લેવા પડતા હોય છે, ત્યારે પણ સંતાનો તો પિતાને જ તિરસ્કારની નજરે જોવાના. પિતાનાં કડક, કઠણ, કઠોર વ્યક્તિત્વની પાછળ એમની કરડાકી જણાય આવે પણ એની પાછળ છૂપાયેલું કૂણું, કોમળ હૃદય આપણે ઝટ ઓળખી શકતા નથી. પિતાએ પોતાની આવકના પ્રમાણમાં ઘરના સહુ સભ્યોની આશા, અપેક્ષાઓ સંતોષવાના હોય છે જો પિતા આવી આશા, અપેક્ષા સંતોષવામાં થોડા ઘણા પણ પાછા પડે તો પિતા તરફ તરત અણગમો વ્યક્ત કરતાં વાર નથી લાગતી. છતાં પિતા જીવનમાં આવા કેટલાંયે કડવા ઘૂંટ ગળી જઈ પોતાની જવાબદારી, ફરજ પૂરી નિષ્ઠાથી કરવામાં પાછા નથી પડતા. આપણા આ પિતાની આપણા જીવનમાં ભૂમિકાને અને તેમના પણ મહત્વને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ.

માતાનું જીવનમાં સ્થાન જ એવું અનેરું છે કે જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછાં છે. પણ થાય છે એવું કે માતાના ગુણગાન ગાવામાં સમગ્ર કુટુંબના અસ્તિત્વના આધારસ્તંભ એવા પિતાને આપણે જાણે અજાણે કદાચ ઓછું મહત્વ આપીએ છીએ કે તેની અવગણના થઈ જતી હોય છે. માતા અને પિતા કુટુંબજીવનના રથના બે પૈંડા ગણાય. એકબીજા વિના બંને અધૂરા અને અપૂર્ણ ગણાય. બંને એકબીજા પર નિર્ભર. એટલે જ કહેવું હોય તો કહી શકાય કે પિતાને જાણે અજાણે અન્યાય થઈ જતો હોય એવું લાગે છે. પરિવારમાં પિતાના અમૂલ્ય ફાળાને આપણે ભૂલી જઈએ છીએ તે કેમ ચાલે ? માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિશે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું કે નથી કહેવામાં આવતું કારણ કે પિતા પરિવાર માટે જે કંઈ મહેનત મજૂરી કરે છે તે તો તેની ફરજ ગણાય, જવાબદારી ગણાય તેથી તેની નોંધ લેવાનું જરૂરી નથી ગણાતું. છતાં ઘરમાં પિતાનો પ્રભાવ અને પ્રભુત્વ, આધિપત્ય અને વર્ચસ્વ તો પિતાના જ હોય છે. ઘરના અગત્યના બધા જ નિર્ણયો લેવામાં પિતાનો જ અભિપ્રાય આખરી ગણાતો હોય છે.

સાહિત્યકારોએ, સંત મહાત્માઓએ, વ્યાખ્યાનકારોએ પણ માતાના ખૂબ વખાણ કરી, માતાને વિવિધ ઉપમાઓ આપી વધાવ્યાં છે. માતાનું મહત્વ જીવનમાં અદ્વિતિય અનુપમ છે અને રહેશે. માતાનો મહિમા સહુ ગાતા રહે છે અને ગવાય તેમાં કશું ખોટું પણ નથી. સ્ત્રીનું માતા તરીકેનું ઋણ પુરુષ ક્યારેય નહિ ચૂકવી શકે. સ્ત્રી સહુથી પહેલા માતા છે. સ્ત્રીના બીજા બધા સ્વરૂપોનું મહત્વ પછી આવે છે. દરેક પુરુષે જન્મ તો સ્ત્રીની કૂખે જ લેવો પડતો હોય છે. એટલે જ માતાનો દરજ્જો ખરેખર ખૂબ જ ઊંચો છે. તેમ છતાં પુરુષનું પિતા તરીકેનું મહત્વ ભૂલી જઈએ તો કેમ ચાલે ? જાણે અજાણે આપણા સહુથી પિતાની અવગણના થઈ જતી હોય એવું નથી લાગતું ? પિતાની સારપ વિશે કે સદગુણો વિશે ભાગ્યે જ ચર્ચા થશે અથવા તો આંખઆડા કાન કરવામાં આવતા હોય છે. પરંતુ તેના નકારાત્મક પાસા પર જ વિશેષ ધ્યાન આપવામાં આવતું હોય છે.

તો આવો ઓળખીએ, જાણીએ, સમજીએ આપણા પિતાના અગણિત ઉપકારને. સહુથી પ્રથમ જોઈએ તો કુટુંબના, પરિવારના સભ્યોનો ભરણપોષણનો ભાર તો કૂદરતી રીતે પિતાના માથે જ હોવાનો, ખરું ને ? તેથી પિતાની એ જવાબદારી અને ફરજ થઈ પડે છે કે ખૂબ જ સમજી વિચારીને દૂરદષ્ટિ રાખી, દૂરંદેશી વાપરી ઘર પરિવારનો ભાર ઉપાડે અને સફળતાપૂર્વક ઘર પરિવારનું સંચાલન કરે. તેથી ઘરના સહુ સભ્યોની માંગણીઓ સંતોષવાની જવાબદારી કોણે ઉપાડવાની હોય ? તે જવાબદારી તો પિતાની જ હોય ને. લાંબાગાળાની, મહત્વની જવાબદારીઓનો સઘળો ભાર ઘણે ભાગે તો પિતાના માથે જ હોય. હકીકતમાં જોવા જઈએ તો ઘરના આર્થિક સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને વૈભવનો આધાર તો મહદઅંશે પિતાની આવક અને કમાણી ઉપર જ હોય છે. જો કે આજની મોંઘવારીના જમાનામાં ઘણીવાર ઘરના આવક અને ખર્ચના બે છેડા ભેગા કરવા માતા પોતાની ઘર ગૃહસ્થીની જવાબદારી સંભાળવા ઉપરાંત સ્વરોજગાર કે નોકરી ધંધા, વ્યવસાયમાં જોડાઈને આર્થિક રીતે મદદરૂપ થવા પ્રયત્ન કરતી હોય છે ત્યારે બેવડી જવાબદારી સંભાળી પોતે પિતા કરતાં વહેંત ઊંચી ગણાવા લાગે છે. પિતા અમુક ઉંમર પછી નોકરી, ધંધા, વ્યવસાયમાંથી નિવૃત્ત થતાં હોય છે પણ માતાને જીવનના અંત સુધી ભાગ્યે જ નિવૃત્તિ માણવા મળે છે.

આ રીતે પણ માતાને પિતા કરતાં મહત્વ વધારે મળતું હોય છે. અહીં આપણે માતાપિતાની પોતાના ઘર પ્રત્યેની જવાબદારી અને ફરજ જો સ્પષ્ટ કરીએ તો સમજાશે કે માતાનો કુટુંબ પ્રત્યેનો ‘સમર્પણભાવ’ અને પિતાની પોતાની ફરજ અને જવાબદારી પ્રત્યેની સંનિષ્ઠાથી જ ગૃહસ્થજીવનનું ગાડું દોડતું રહે છે. માતાને મોટે ભાગે ઘરની, પરિવારની રોજિંદી જવાબદારીઓ સંભાળવાની હોય છે. બાળ ઉછેરથી માંડીને, રસોઈપાણી, ઘરની સાફસફાઈ, કચરા-પોતાં, વાસણ ઘસવા, કપડાં ધોવા વગેરે. જે કામમાં પિતાને સૂગ ચઢતી હોય તેવા કામ માતા ખૂબ જ સરળતાથી અને સહજતાથી કરી નાખતી હોય છે. ઘરના દરેક કામ લાગણી સાથે જોડાયેલા હોય છે તેથી માતા આવા દરેક કામ ખૂબ જ લાગણી અને આત્મીયતા સાથે કરી લેતી હોય છે. તેમજ આવા કામમાં માતાના કલા અને કૌશલ્ય સાથે કુનેહ પ્રદર્શિત થતાં હોય છે. માતાના મોટાભાગના ઘરના કામકાજ રસોઈ, બાળ ઉછેર વગેરે એવાં હોય છે કે તાત્કાલિક ધ્યાન માંગી લે છે અને તાત્કાલિક પૂરા કરવાનાં હોય છે. માતાની જવાબદારી કે ફરજ ચોવીસ કલાક અને ત્રણસોને પાંસઠ દિવસની હોય છે પણ પિતાનું કાર્યક્ષેત્ર થોડું અલગ પ્રકારનું હોય છે. તેમને હંમેશા આર્થિક જવાબદારીને કારણે પોતાના કામમાં બુદ્ધિનો ઉપયોગ વધુ રહેવાનો અને હંમેશા આર્થિક અસલામતી રહેતી હોવાના કારણે ચિંતાનું ભારણ વધુ રહેતું હોય છે. તેથી લાંબાગાળાના ભવિષ્યના ખૂબ જ અગત્યના કામનો બોજો પિતાના માથે જ સ્વાભાવિક રીતે રહેતો હોય છે.

ઘર પરિવારને લગતો કોઈ એકાદ ખોટો નિર્ણય પણ જો લેવાઈ જાય તો ઘરની બરબાદી થતાં વાર નથી લાગતી. આવા લાંબાગાળાનાં કાર્યોમાં સહુ પ્રથમ મૂકવું હોય તો રોટી કપડાં અને એ પછી સૂંદર મજાનું મકાન. ભાડે રહેતા લોકોને પોતાનું સુંદર મઝાનું ઘર હોય એવું સ્વપ્ન કોને ન હોય ? આજના જમાનામાં ઘરનું ઘર લેવું હોય તો પિતાના માથે ટાલ પડી જ ગઈ સમજો. પોતાના ઘરનું ઘર બનાવવામાં આખા જીવનની સઘળી બચત ખર્ચાઈ જતી હોય છે. બેંક લૉનની સગવડ કરવાની તેમજ વધારાના ખર્ચની જોગવાઈ કરતાં પિતાની યુવાની ગિરવે મૂકાઈ જતી હોય છે. પોતાનું ઘર થાય એટલે સુંદર સાજ સજાવટ, શોભા-શણગાર કરવા પડે એના ખર્ચનો ભાર તથા પોતાની પત્ની, પુત્ર-પુત્રીના કપડાંલત્તા, સાડી, ડ્રેસ, સોનાના દાગીના વગેરેની માંગણીઓ તો પિતાએ સંતોષવી જ પડે. પુત્ર, પુત્રીને ઉચ્ચ શિક્ષણ માટે સારી સ્કૂલ કૉલેજના એડમિશન તેમજ ભણતરના ખર્ચની ચિંતા તો સહુ પ્રથમ પિતાએ જ કરવી પડે. પુત્ર-પુત્રી ઉંમરલાયક થાય એટલે તેમને પરણાવવા માટેનાં ખર્ચની ચિંતામાં પિતાના માથાના વાળ ક્યારે ધોળા થઈ ગયા તેની ખબરેય નથી પડતી. આ બધી જ આર્થિક જવાબદારીના ભારણ પિતાના માથે જ હોય છે. પોતાના વૃદ્ધ માતાપિતાની સારસંભાળ, સારવાર માંદગીના ખર્ચનું ભારણ તો પાછું વધારાનું હોય. કુટુંબના સારા માઠા પ્રસંગોને સારી રીતે પાર પાડવાના આર્થિક ભારણને કારણે ક્યારે કેડ બેવડ વળી ગઈ ને પોતાના મોઢા પર ક્યારે અકાળે વૃદ્ધત્વ છવાઈ ગયું તેની બિચારાને ખબરેય નથી પડતી. આ જવાબદારી ને પરિપૂર્ણ કરવા ઘણીવાર નોકરી હોય તો ઓવરટાઈમ, વેપાર-ધંધા હોય તો વેપાર-ધંધાને કેવી રીતે વધારતા જઈએ તો આવકની વૃદ્ધિ થાય તે માટે વિચારીને કુટુંબના ભોગે કમાણી કરવાનું તો પિતાને જ હોય ને ? આખા કુટુંબની જવાબદારીઓ અને માંગણીઓના ભાર નીચે દબાયેલા પિતાને કામના ભારણના કારણે ઘરે આવતા ભૂલેચૂકે જો મોડું થઈ જાય તો એવું કહેવાય છે કે પિતા પરિવારને પૂરતો સમય નથી આપતાં કે હરવા-ફરવા નથી લઈ જતાં. પણ ઘણા પરિવારના મોટાભાગના સભ્યો પિતાની મજબૂરી, લાચારી, પરેશાની સમજવાનો ભાગ્યે જ પ્રયત્ન કરતાં હોય છે.

કુટુંબના સભ્યો તો પોતાની જરૂરિયાતોની માંગણી મૂકી દે પણ એ જરૂરિયાતને કેવી રીતે પરિપૂર્ણ કરવી તેના વિષે વિચારવાનું, પ્રયત્નો કરવાના હોય તો તે પિતાએ જ કરવાના હોય છે. આ બધા ટેન્શનમાં, ચિંતામાં, તાણમાં તણાઈને ક્યારે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગના કે કૈંક અસાધ્ય એવાં રોગોનાં દર્દી થઈ ગયા એ ખબરેય નથી પડતી. આખરે તો પિતા છે ને ? ઘરની સમસ્યાઓ, ફરિયાદો હોય તો તેને ઉકેલવાની જવાબદારી પિતાના માથે જ હોય. આમ સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં પિતાની મર્યાદિત આવક અને પરિવારના સભ્યોની અમર્યાદિત જરૂરિયાતો, આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ પૂરી કરવામાં, સંતોષવામાં જ બિચારા પિતાનું આખું આયખું અટવાયા કરે છે અને પોતાનું આયુષ્ય ક્યાં પૂરું કરી નાખ્યું એની જાણ સુદ્ધાં નથી રહેતી. આવી જવાબદારીઓ પરિપૂર્ણ કરવામાં પાછા પડતા કે ઊણા ઉતરતા પિતાની દશા પરિવારમાં ઘણી ભૂંડી થઈ જતી હોય છે. એવાં કેટલાયે કિસ્સા આપણા સાંભળવામાં આવે છે. પિતાને એની પોતાની સમસ્યાઓ પણ હોય છે, ફરિયાદો પણ હોય છે પણ તે કોને કહે ? આવામાં પિતા જો ભૂલેચૂકે પોતાનો પિત્તો ગુમાવી દે તો પિતાને બદનામી મળતા વાર નથી લાગતી. પિતાને જાણે હૃદય ના હોય, દિલ ના હોય… એણે તો પથ્થર જેવા થઈને જ રહેવાનું. એને તો રડવાની પણ છૂટ નહીં કારણ કે એ તો પુરુષ કહેવાય, મનમાં મૂંઝાયા કરે, પણ પોતાની વ્યથા કોની આગળ ને કેવી રીતે વ્યક્ત કરે ? પિતાએ તો પોતાની વ્યથા, વ્યગ્રતા, વિષાદ કે વલોપાતને પોતાના હૃદયમાં જ ધરબીને રાખવાના હોય. પોતાના પુત્ર કે પુત્રી જો કહ્યામાં ના હોય અને પત્નીનો જો જોઈતો સાથ ના મળે તો બિચારા પિતાએ ક્યાં જવું ? ઉંમરલાયક પુત્ર-પુત્રી આડાઅવળા માર્ગે દોરાઈ જઈને ખોટે રસ્તે ચઢી ના જાય તેની ચિંતા માતાની સાથે પિતાને પણ એટલી જ હોય છે.

ઘરબહારની બધી જ જવાબદારી પરિપૂર્ણ કરવા દોડવાનું તો મોટેભાગે પિતાએ જ હોય છે ?! પરિવારના ભરણપોષણની સઘળી જવાબદારી પરિપૂર્ણ કરવા આર્થિક ભારણને પહોંચી વળવા કોઈક વાર ભ્રષ્ટાચારના ખોટા રસ્તે પગ દોડવા માંડે તો અપયશ તો પિતાને જ મળવાનો ને ? પરિવારના પાલનપોષણ કરવામાં, આવક અને ખર્ચના બે છેડા ભેગા કરવામાં પૂરતા પરિશ્રમ, પ્રયત્ન છતાં નિષ્ફળતા મળતા ક્યારેક નબળા મનના પિતા પોતાનો અપરાધભાવ ભૂલવા માટે જ્યારે ભૂલેચૂકે વ્યસનના રવાડે ચઢી જાય છે ત્યારે જાણેઅજાણે પરિવારના પતનનો પાયો નંખાઈ જતો હોય છે. ત્યારે ઘરના સભ્યોને જવાબદારીમાંથી છૂટી પડતાં વાર નથી લાગતી. આવા સમયે બદનામી તો પિતાની જ થતી હોય છે. બિચારો પિતા જાય તો જાય ક્યાં ? ઘરની બધીજ મોટી સમસ્યાઓના ઉકેલ લાવવાની જવાબદારી તો પિતાની જ હોય ને ?! છતાં ઘણીવાર સમસ્યાઓના સમાધાન શોધવામાં સંજોગો અને પરિસ્થિતિને કારણે નિષ્ફળ જતાં પિતાની અકળામણને કોઈ ઓળખી નથી શકતું તેથી તેઓ અળખામણા થઈ જતાં હોય છે. ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ?

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ? માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઈ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવાનું પ્રમાણમાં ઘણું અઘરું હોય છે ! કારણ કે સાંત્વન આપવામાં હૃદયની ભીની લાગણીઓને નીચોવી નાંખવાની હોય છે. બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ પિતાએ તો ભાવવિભોર થયા વિના, લાગણીના પ્રવાહમાં તણાયા વિના પોતાની અંતરની વ્યથા, વ્યગ્રતા, વિષાદ કે વલોપાત જેવા ભાવોને દબાવી રાખવાના હોય છે. અશ્રુ પ્રવાહને પરાણે રોકી અંતરમાં ધરબી દેવાનો હોય છે. પોતાના પરિવારના સભ્યના મૃત્યુ સમયે પણ પિતાએ તો મક્કમતા દાખવી બધાને સાંત્વના જ આપવાની હોય, આશ્વાસન આપવાનું હોય ત્યારે એનાથી રડાય ખરું ? એણે તો વિપરીત પરિસ્થિતિમાં, આપત્તિમાં, વિપત્તિમાં સંજોગો સામે લડી લેવા અડીખમ ઊભા રહેવાનું હોય છે. એટલે જ તો એમને પિતા કહ્યા હશે, ખરું ને ? ગરીબ કુટુંબનાં, પરિવારના પિતાની તો વાત જ અલગ છે. પરિવારના ભરણપોષણ ખાતર માતાની સાથે પિતાએ પણ આપેલા ભોગને ધ્યાનમાં લઈએ તો ખબર પડે કે બિચારા પિતાએ ક્યાં ક્યાં ને કેવી રીતે ઓછી આવકમાં મહિનો પૂરો કરવા સંતુલન સાધવું પડે છે. પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા, તેમનું ફાટેલું ગંજી, જૂનો લેંઘો, તેમના દાઢી વધેલા ચહેરામાં તેમની કરકસર છૂપાયેલી હોય છે. પિતા પોતાના ખર્ચમાં કરકસર કરીને પણ સંતાનોને હરવાફરવા, રેસ્ટોરન્ટ, ફિલ્મો જોવાં 200-500 રૂપિયા આપી રાજી રાખતા હોય છે. પિતાનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે પરોક્ષ સ્વરૂપે વ્યક્ત થતાં પિતાના આ પ્રેમને આપણે ઝટ ઓળખી નથી શકતાં.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે એટલે કે પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. માતા અને પિતા બંનેનું મહત્વ જીવનમાં અનેરું હોય છે. માતા પોતાની જે કંઈ પણ ફરજ જવાબદારી પરિપૂર્ણ કરતી હોય છે તેની પાછળનો ટેકો તો પિતાનો હોય છે. બંને જણ એકબીજાના ટેકા વિનાં, સહકાર વગર ઘરની બધી જ જવાબદારીઓ કે ફરજ યોગ્ય રીતે પરિપૂર્ણ કરી શકે નહિ. માતાની કર્તવ્ય પરાયણતા અને પિતાની કર્તવ્ય નિષ્ઠા ઘરગૃહસ્થીને શાંતિ, સલામતી અને સ્થિરતા આપતાં હોય છે. કોઈના મહત્વને ઓછું આંકી ન શકાય. માતા કે પિતા દરેક જણ પોતપોતાન સ્થાને સર્વશ્રેષ્ઠ છે. ખરેખર જોવા જઈએ તો માતાએ ઘરની પોતાની સઘળી આર્થિક જરૂરિયાતો પરિપૂર્ણ કરવા પિતા ઉપર આધારિત હોય છે અને પિતાની પોતાની આર્થિક સિવાયની બધી જ જરૂરિયાતો ઘરમાં પરિપૂર્ણ થતી હોય છે. છેવટે જે કંઈ છે તે તો ઘરે જ હોય છે. અંતમાં એટલું કહી શકાય કે માતા જે કંઈ છે તે પિતાને કારણે હોય છે અને પિતાની સફળતા પાછળ માતાનો હાથ અવશ્ય હોવાનો. પિતાએ માતાનું સૌભાગ્ય છે અને માતા એ પિતાનું સદભાગ્ય છે. માતાપિતા બંને સંતાનોનું ભાગ્ય ઘડનાર ભાગ્યવિધાતા છે. સંતાનો તો માતાપિતાનું ભવિષ્ય છે. તેઓ એકબીજાના સાથ સહકાર સાથે સંવાદ સાધી સંતાનોના સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સ્વસ્થતા, સૌહાર્દ અને ભલા માટે જ સતત પ્રયત્નશીલ હોય છે. બસ, આપણે આપણા માતાપિતાને યાદ કરી, આદર આપી, કદર કરવામાં બેદરકાર ના રહીએ. આપણે તેમને મનોમન વંદન કરી તેમનું ઋણ ચૂકવવા પ્રયત્નશીલ રહીએ.

હકનો રોટલો

Posted: March 14, 2013 in Vasoya Parivar

ઘણાં વર્ષો પહેલાં ગ્વાલિયરમાં સજ્જનસિંહ રાજા રાજ કરતો હતો. તે ભલો, ન્યાયી અને પ્રજાવત્સલ હતો. હકનો રોટલો ખાઈને રાજ કરવાનો એનું એક માત્ર ધ્યેય હતું. એ ભોગ-વિલાસથી પર હતો. પ્રજા પાસેથી કર રૂપે આવેલા દ્રવ્યનો પ્રજાહિતનાં કાર્યોમાં ઉપયોગ કરતો હતો. એમાંથી એક પાઈ પણ પોતાના માટે વાપરતો ન હતો.

એના રાજદરબારમાં નર્તકો, વારાંગનાને સ્થાન ન હતું. એના બદલે સાધુ, સંતો, વિદ્વાનો અને સત્સંગીઓને આદરપૂર્વક સ્થાન મળતું હતું. એ રોજ વહેલો ઊઠી પોતાના ઓરડામાં જઈ રેંટિયો ફેરવી જરૂર પૂરતું કાંતી પછી તૈયાર થઈ રાજદરબારમાં આવતો હતો. આ કાંતેલા સૂતરમાંથી તે જીવનનિર્વાહ ચલાવતો હતો. આવા પરિશ્રમી જીવનથી એને અપાર સુખ-શાંતિ મળતાં હતાં. આ રીતે મેળવેલા રોટલાને તે હકનો રોટલો કહેતો હતો, છતાં એના મનમાં કાયમ શંકા રહેતી હતી કે હકનો રોટલો કહેવાય કે નહિ ? એના રાજ્યમાં આવનાર સંત, સાધુ, વિદ્વાન કે પંડિતને એ પ્રશ્ન પૂછતો કે ‘હકનો રોટલો કોને કહેવાય ?’ પરંતુ કોઈના જવાબથી એને સંતોષ થતો ન હતો.

એક વખત એણે રાજગુરુને આ પ્રશ્ન પૂછ્યો.
રાજગુરુએ કહ્યું : ‘રાજા પ્રજાના પૈસાનો રખેવાળ છે. કર રૂપે આવેલા પૈસામાંથી તે એક ટકો પૈસો પોતાના જીવનનિર્વાહ માટે વાપરી શકે છે. ધર્મમાં પણ એને સમર્થન છે. આ રીતે તમે હકનો રોટલો ખાઈ શકો છો.’ રાજાને ધર્મગુરુના આ ખુલાસાથી કોઈ સંતોષ થયો નહિ. એ મનમાં મૂંઝાતો રહ્યો. એક વખત એના રાજ્યમાં રમતારામ સંત આવી ચડ્યા. એ પૂરા અનુભવી, ધર્મને જાણનારા ને દેશાટન કરનારા વિરલ સંત હતા. રાજાએ એમને સારો આદરભાવ આપ્યો. રાત્રે સત્સંગની બેઠક રાખી. રાજાએ સત્સંગની શરૂઆતમાં જ પ્રશ્ન કર્યો :
‘હે મહાત્મા, મારા મનમાં ઘણા વખતથી એક પ્રશ્ન ઘોળાયા કરે છે. એના જવાબો સાધુ, સંતો અને વિદ્વાનો આપે છે પણ મને એમના જવાબથી સંતોષ થતો નથી. કૃપા કરી આપ મને મારા એ પ્રશ્નનો ગેડ પડે એવો ઉત્તર આપો. મારો યક્ષ પ્રશ્ન છે કે હકનો રોટલો કોને કહેવાય ? રાજા હકનો રોટલો ખાઈ શકે ખરો ?’
સંત કહે : ‘બસ આટલો જ પ્રશ્ન ને ? આમાં વળી મૂંઝાવા જેવું અટપટું શું છે ? તારા આ પ્રશ્નનો જવાબ તો તારા નગરના પાદરે રહેતી રૂપા નામની વૃદ્ધા આપી દેશે. તું એની પાસે જઈ હકના રોટલાની માગણી કરજે. તને તારો પ્રત્યુત્તર અવશ્ય મળી જશે.’

સંતના આ જવાબથી રાજા રાજીના રેડ થઈ ગયો. એ પળનોયે વિલંબ કર્યા વિના એક ખેડૂતનો વેશ ધારણ કરી મહેલના પાછળના દરવાજેથી હાથમાં કોદાળી લઈ પગપાળા તે વૃદ્ધાના ઘર ભણી ચાલી નીકળ્યો. પૂછતો પૂછતો તે રૂપા વૃદ્ધાના ઘરે આવી પહોંચ્યો. આ વખતે સાંજ ઢળી ચૂકી હતી. વાળુની વેળા થઈ ગઈ હતી. પંખીઓ આવીને પોતપોતાના માળામાં ગોઠવાઈ ગયાં હતાં. મંદિરમાં થતો ઘંટનાદ સંભળાતો હતો. કમળનાં ફૂલ બિડાવાં લાગ્યાં હતાં. ભમરાઓના ગુંજારવ બંધ થઈ ગયા હતા. આ ટાણે રૂપા વૃદ્ધા આંગણામાં બેઠી હતી. વાળુ કરવા તે આરતી બંધ થવાની રાહ જોતી હતી. રાજાએ નમ્રતાથી વંદન કરી રૂપા વૃદ્ધાને પૂછ્યું,
‘માજી, મને ખૂબ ભૂખ લાગી છે. કંઈ ખાવા આપશો ?’
રાજા ભણી વેધક દષ્ટિ કરી રૂપા વૃદ્ધા બોલી, ‘મારી પાસે તો એક રોટલો માત્ર છે. એમાં અડધો રોટલો જ હકનો છે. બાકીનો અડધો રોટલો હરામનો છે.’
રાજાએ આશ્ચર્ય અનુભવતાં પૂછ્યું : ‘માજી, મને તો આમાં કાંઈ સમજ પડતી નથી. અડધો રોટલો હકનો અને અડધો રોટલો હરામનો એની મને જરા સમજ આપશો ?’

વૃદ્ધા રૂપાએ વિગતે વાત સમજાવવા માંડી, ‘બેટા, એક વાર હું રાત્રે રેંટિયો કાંતવા બેઠી. દીવો સળગાવવાનો વિચાર કરતી હતી. તે વેળાએ ત્યાંથી એક મોટું મશાલ સરઘસ નીકળ્યું. સરઘસ ખૂબ જ ધીમી ગતિએ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. એવામાં એના આગેવાને થોડી વાર ત્યાં થોભવાની આજ્ઞા કરી. એણે આવી આજ્ઞા કેમ કરી તે મને સમજાયું નહિ, પરંતુ અજવાળું ધરી મને મદદ કરવાનો તેમનો ઈરાદો સમજાયો. એ અજવાળું મારી ઝૂંપડીમાં પણ પડતું હતું. મને એ અજવાળાનો લાભ મળ્યો. મેં રેંટિયો ચાલુ કરી દીધો. સરઘસ થોભ્યું. એટલી વારમાં મેં જે કાંત્યું હતું તે બજારમાં વેચી દીધું. એના જે પૈસા આવ્યા તેમાંથી મેં બાજરીનો લોટ ખરીદ્યો. એનો આ રોટલો બનાવ્યો, એટલે રોટલામાં અર્ધા રોટલા ઉપરનો હક મશાલવાળાના હિસ્સે જાય છે. બાકીના અડધા રોટલા પર મારો હક છે. મારી વાત હવે તારા મનમાં દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ હશે. બોલ, હવે તું હા કહે તો તને અડધો રોટલો ખાવા આપું. એ ખાતાં તને તારા નિયમનો બાધ આવશે નહિ.’ રાજા તો રૂપા વૃદ્ધાનો જવાબ સાંભળી સડક થઈ ગયો. રાજાને સંતો, મહાત્માઓ અને વિદ્વાનોના જવાબથી સંતોષ થયો ન હતો. એને એક નિરક્ષર વૃદ્ધાના જવાબથી સંતોષ થયો હતો. સાથેસાથે સ્વનિર્ભરનો એનો ગર્વ પણ ચકનાચૂર થઈ ગયો હતો.

એ વિચારવા લાગ્યો, ‘મારા રાજ્યમાં સામાન્ય પ્રજાજન પણ ન્યાય, નીતિ અને હકની આટલી ઊંડી સમજ ધરાવે છે તે મારા માટે તેમજ રાજ્ય માટે ગૌરવની બીના છે. આ વૃદ્ધા પાસે તો હું દંભી ઠર્યો. આવા વિચારો ધરાવવા બદલ હે પ્રભુ ! તું મને માફ કરી દેજે.’ એ પ્રગટ રૂપા વૃદ્ધાને કહેવા લાગ્યો, ‘ઓ રૂપા માતા, હકના રોટલાની હકીકત મને સમજાવી મારા પર મોટો ઉપકાર કર્યો છે. આવી ઝીણવટભરી દષ્ટિ દરેક કાર્ય વખતે રખાય તો અજાણપણે પણ અનર્થ ન આચરાઈ જાય. આ અડધો રોટલો તો પરિશ્રમની પાવક પ્રસાદી છે.’ આમ કહી અડધો રોટલો આરોગી રાજા વૃદ્ધાને વંદન કરી પોતાના મહેલે પાછો ફર્યો.

ધન્ય છે આવા રાજાને તથા તેની સમજદાર પ્રજાને.

સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને કોઈ ફિલ્મ કે ડોક્યુમેન્ટરી બનાવવાની હોય અને તેમાં સવારનું દ્રશ્ય ફિલ્માવવાનું હોય તો શું દર્શાવાય ? પાણીના બેડાં ઊંચકીને જતી ગ્રામ્ય નારીઓ ? દુધના ઠલવાતાં બોધેણા ? મંદિરમાં ચાલતી ધૂન ? મુસાફરોથી ભરચક છકડો રિક્ષા ? આ બધુ પણ દર્શાવાય પરંતુ સૌરાષ્ટ્રની સવારની સુગંધિત અને સ્વાદિષ્ટ એક ઓળખ છે ગાંઠિયા. ભલે એ ગુજરાતી ખાણું કહેવાય છે પરંતુ કાઠિયાવાડ-સૌરાષ્ટ્ર તે તેના ‘અસલરંગ’ માં જોવા મળે છે. ગાંઠિયા સાથે અહીંના લોકોનું નોખું ગઠબંધન છે. કેટલાક લોકો માટે ગાંઠિયા ખાવા એ સૂર્યોદય જેવી નિયમિત ઘટના છે.

ગુજરાતીઓના જીવન તેલમાં જ તરે છે તેઓ આક્ષેપ બિનગુજરાતીઓ અને ડોક્ટરો કરે છે, તે સાચા પણ હશે – પરંતુ, લોકો અહીં ખાણીપીણીની બાબતમાં નરસિંહ મહેતાનું વલણ અપનાવે છે : ‘એવાં રે અમે એવા રે, તમે કહો છો વળી તેવાં રે….’ મુસીબતોની વચ્ચે ય મોજથી ખાવું એ અહીં જીવનમંત્ર છે અને એ મંત્રનો એક મોટો મૂળાક્ષર છે ગાંઠિયા. ગાંઠિયા એક પ્રોડક્ટ છે પરંતુ તેનું વૈવિધ્ય અપાર છે. ફાફડા એ તેનું મૂળ સ્વરૂપ છે. એ પછી વણેલા, તીખા, લસણિયા ગાંઠિયા બનાવાય છે. ફાફડાની બેન પાપડી પણ ખવાય છે. ભાવનગર પાસેના રંઘોળામાં ઝીણા ગાંઠિયા બને છે તે વખણાય છે. ચોકડી આકારના ગાંઠિયાનું નામ ‘ચંપાકલી’ સ્ત્રીલિંગમાં છે. ફાફડા અને વણેલા ગાંઠિયા ગરમ ખાવાનું ચલણ છે, ને બાકીના ગાંઠિયા ઘરે ડબ્બામાં ભરી રખાય છે.

અહીં દરેક શહેરમાં, પ્રાંતમાં, પેટા પ્રાંતમાં ગાંઠિયાનો અલગ તૌર છે ! રાજકોટમાં વણલખ્યો રિવાજ છે કે ફાફડા સવારે ખવાય અને રાત્રે વણેલા ગાંઠિયા જ મળે. રાત્રે સાડા બાર કે દોઢ વાગ્યે લારી પર ઊભા રહી કહો કે 200 ફાફડા…. એટલે કપાળેથી પરસેવો લૂછતાં અને બીજા હાથે તળેલાં મરચાં પર મીઠું છાંટતાં છાંટતાં ભાઈ કહે : ‘પંદર મિનિટ થાહે બોસ, વણેલા જોઈએ તો તૈયાર છે !’ રાત્રે સાડા બારે ? હા, સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં રાત્રે 12.30, 2.30 કે સવારે 4.00 વાગે પણ ગાંઠિયા મળી શકે ! જૂનાગઢના કાળવા ચોકમાં રાત્રે સાડા ત્રણે ગાંઠિયા, આ લખવા માટે પેન પકડી છે એ જ જમણા હાથથી પકડીને ખાધા છે ને ધોરાજીમાંય એવી જ રીતે રાત્રે દોઢ વાગ્યે ગાંઠિયા પ્રાપ્ત છે. ગાંઠિયા માત્ર મોર્નિંગ બ્રેકફાસ્ટ નથી, આઠે પ્રહરની ઊજાણી છે. પિત્ઝા અને બર્ગર ભલે અમદાવાદના બોપલ કે સૌરાષ્ટ્રના ઉપલેટા સુધી પહોંચી ગયા પરંતુ ગાંઠિયા પ્રત્યે પ્રીતિ યથાવત્ છે. વેકેશન ગાળવા ગયેલા ગુજરાતી પરિવાર દિલ્હીમાં સાંજે ચાટ અને પાઉંભાજી ભલે ખાય પણ ગુજરાતી સમાજની કેન્ટિનમાં તો “બે પ્લેટ ખમણ, ત્રણ પ્લેટ ગાંઠિયા અને બે ચ્હા” એવા જ ઑર્ડર અપાય છે.

લેટેસ્ટ ન્યુઝ એ છે કે ગાંઠિયા ખાવાની વસ્તુ સાથે રિસર્ચ કરવાની પણ વસ્તુ બની છે ! દુરદર્શનના રાજકોટ કેન્દ્રના નિયામક બાબાભાઈ પરમારને વિચાર આવ્યો કે ગાંઠિયા પર ડોક્યુમેન્ટરી ન બને ? અને બની ગઈ….. ગાંઠિયા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના ડૉ. મહેશ જોશી અને તેની ટીમે રિસર્ચ કર્યું તેના તારણો પણ ગાંઠિયા જેવા જ રસપ્રદ છે ! યુનિવર્સિટીએ જે સેમ્પલ સર્વે કર્યો તે મુજબ, ‘ભાવનગરી ગાંઠિયા મુંબઈમાં ઘાટકોપર, બોરીવલીમાં પણ મળે છે. ડર્બન, કેપટાઉન, મોમ્બાસા, કેન્યા અને લંડન વસતા લોકોની દાઢે પણ એ ચોંટ્યા છે. ભાવનગરમાં એક ફૂટ લંબાઈ હોય એવા ગાંઠિયા પણ બને છે. ફરસાણની દુકાનો, મગફળી, ડુંગરી-મરચાં ગાજર પકવતા ખેડૂતો માટે ગાંઠિયા રોજગારીનું માધ્યમ છે.’ ખરે, આ તો અભ્યાસુઓ માટેની વાત થઈ, પરંતુ વાત ખોટી નથી. લારીથી માંડીને મોટી મોટી દુકાનોમાં ગાંઠિયાનું ધમધોકાર વેચાણ છે. મોરારિબાપુ તો આખા ગાંઠિયાના પરિવારની વાત વિનોદમાં કહે છે. તેઓ કહે છે : “ગાંઠિયો પતિ, જલેબી મીઠી એટલે પત્ની (પણ જલેબી ગુંચળાવાળી હોય છે !) અને સંભારો મરચા તેના સંતાન – એમ જાણે કે ગાંઠિયા, મરચા અને સંભારાનું ટ્રસ્ટ રચાય છે !”

ગાંઠિયા સૌરાષ્ટ્રની પારિવારીક વાનગી છે, ફોક ફૂડ એટલે કે લોકખાણું છે. વિદ્યાર્થીના લંચ બોક્સથી માંડીને વૃદ્ધાશ્રમમાં થતા દાન ધર્માદામાં ગાંઠિયા હોય છે. લગ્ન હોય અને જાન આવે એટલે વેવાઈને ગાંઠિયા-જલેબીનો નાસ્તો 1957માં અપાતો અને આજે 2007માં પણ અપાય છે. કોઈના મૃત્યુ પછીના જમણમાં પણ ગાંઠિયા અને અન્નકૂટના પ્રસાદમાં પણ ગાંઠિયા હોય છે. જો કે, અન્ય વસ્તુઓની જેમ ફાફડા પેકેજિંગ હજુ એટલું શરૂ થયું નથી પરંતુ રાજકોટમાં બજરંગ ફરસાણે ફાફડાના પેકેટ શરૂ કર્યાં છે.

સૌરાષ્ટ્રમાં ગાંઠિયાની સાથે જ તેના ‘એડ ઑન’ ફૂડનું મહત્વ છે. એટલે જ દુકાનોમાં ગાંઠિયાના વજન પ્રમાણે જ સંભારો મળે છે કારણકે અહીં 200 ગ્રામ ગાંઠિયા સાથે 250 ગ્રામ સંભારો ચાવી જનારા શૂરવીરો પણ છે. નેતાઓ પણ અહીં ગાંઠિયા પ્રેમી છે. 70 કે તેથી વધુ વયના નેતાઓ અહીં 200 ગ્રામ ગાંઠિયા મોજથી ખાઈ શકે છે. ઘણા લોકોને ગાંઠિયામાં તબિયત બગડવાની શકયતા દેખાય છે ! પિત્ઝા, હોટડોગ, ફ્રેન્ચફ્રાઈ, બર્ગર કરતા ગાંઠિયામાં કેલેરી ઓછી હોય છે. ચંદ્રકાન્ત બક્ષીએ ગાંઠિયા વિશે લખ્યું હતું કે કાઠિયાવાડનો મહેનતકશ માણસ 100 ગ્રામ ગાંઠિયા ભરેલું મરચું સંભારો ખાઈને મહેનત કરવા ચાલ્યો જતો. ગાંઠિયો એ મહાન પ્રદાર્થ છે, જેણે આ ધરતીના શ્રમિકોની પેઢીઓને ગરીબીની રેખા નીચે પણ જીવતી રાખી છે. ગાંઠિયાનો સમાજવાદ કરોડપતિ અને કડકાને, મહાશ્રેષ્ઠિ અને મજદૂરને એક જ કતારમાં ઉભા કરી દે છે. ગાંઠિયાના શોધકે કાઠિયાવાડના દિશાહારા, વસ્તુહારા, સર્વહારાનું અર્થશાસ્ત્રનું ચલાવ્યું છે.

ગાંઠિયાનું ગણિત એવું કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્રભવનના સર્વે મુજબ સૌરાષ્ટ્રમાં દુકાનોમાં પાંચ કિલોથી માંડીને 50 કિલો લોટના ગાંઠિયાનું દૈનિક વેચાણ થાય છે. ગાંઠિયાનું રૉ-મટીરીયલ, ચણાનો લોટ છે જેને કિંમત રૂ. 25 પ્રતિ કિલો, બેસનની કિંમત રૂ. 56ની છે અને ચણામાંથી ગાંઠિયા થતાં 300% મૂલ્યવૃદ્ધિ થાય છે. ફરસાણની દુકાનોમાં દૈનિક 10 કરોડની આવકનું સર્જન માત્ર ગાંઠિયાને કારણે થાય છે. જેને લીધે 15,000 લોકોને રોજગારી મળે છે !

tarnetar

 

 

તરણેતરનો મેળો સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય કરાવે છે. તરણેતરનો મેળો તેની આગવી કલા અને લોકવારસાને લીધે આખી દુનિયાનું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત કરે છે. આ મેળામા એક ચોક્કસ જ્ઞાતિનો પહેરવેશ, સંસ્કૃતિ, બોલી, ઇતિહાસ વગેરેનો સુભગ સમન્વય જોવા મળે છે.

તરણેતરનો મેળો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લામાં થાન તાલુકા નજીક “તરણેતર” નામના નાનકડા ગામે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે. આ ત્રિનેત્રેશ્વર મહાદેવનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે. કહેવાય છે કે ઇતિહાસકારોના મતે આ મંદિર “પ્રતિહાર” રાજાઓ દ્વારા ૧૦મી સદીમાં બંધાવવામાં આવેલુ. બાદમા ઇ.સ. ૧૯૦૨મા રાજવી કરણસિંહજીએ તેમના પુત્રી કરણબા ના સ્મરણાર્થે જીર્ણોધ્ધાર કરાવેલો. આ મંદિરથી થોડે દુર તરણેતર ગામ આવેલુ છે.અહીં અર્જુન અને દ્રોપદીના સ્વયંવરની પણ કેટલીક માન્યતાઓ જોડાયેલી છે.

તરણેતરનો મેળો ભાદરવા સુદ ત્રીજ, ચોથ, અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. એમાંય“ૠષિપંચમી” નો દિવસ શ્રેષ્ઠ માનવામા આવે છે. કારણ કે આ દિવસે લોકો તરણેતરમા આવેલા કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોની અસ્થિ પધરાવી, કુંડમાં નાહિને ગંગામાં નાહ્યાનું પુણ્ય મેળવે છે. અને આ દિવસે જ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર “બાવન ગજની” ધજા ચડાવવામાં આવે છે. તરણેતરના મેળાની ત્રણ વિશેષતાઓ એ છે કે “સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનોની રમઝટ, અને સો-સો ભાઇ-બહેનોના એક સાથે લેવાતા “રાહડા” અને “હૂડા”.” એ આ મેળાની અતિ દુર્લભ લોક સંસ્કૃતિ છે જેને તરણેતરના મેળાએ હજુ સુધી સાચવીને રાખી છે.

તરણેતરના મેળામા ભરવાડ, ખાંટ, કોળી, રબારી, કાઠી, તેમજ ચારણ, કણબી વગેરે જ્ઞાતિના લોકો બહોળી સંખ્યામાં આવે છે. આ જ્ઞાતિના લોકો માટે તરણેતરનો મેળો કંઇક વધુ મહત્વ ધરાવે છે. તેઓ પોતાની પારંપરિક વેશભૂષામાં અહિં આવે છે. આ પારંપરિક વેશભૂષા જોઇએ તો રંગબેરંગી ધોતી, ભરતગૂંથણ કરેલ બંડીઓ, આંખોને મોહિત કરી દે તેવી રંગબેરંગી પાઘડી, આભૂષણો, અને સાથે રહેલી આકર્ષક ભરતકામ કરેલી, આભલા- ટીકીથી મઢેલી “છત્રીઓ” દરેક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.આ છત્રીઓ એક મુકીને એક જોવા જેવી હોય છે. અહિં સર્વશ્રેષ્ઠ છત્રી ધરાવનારને પુરસ્કાર આપીને સન્માનવામાં આવે છે.

તરણેતરનો મેળો કોળી, ભરવાડ, રબારી જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે પોતાના જીવનસાથીની પસંદગી માટે પણ ચોક્કસ સ્થળ બની રહે છે. તેથી આ મેળામાં તેઓ પોતાના પારંપરિક વેશભૂષામા સંપૂ્ર્ણ સજ્જ થઇને આવે છે. અહીં યુવતીઓ મૂરતિયાને પસંદ કરવા માટે એક અનોખી રીત અપનાવે છે. તેઓના નિયમ પ્રમાણે , “જો કોઇ યુવતીએ કાળા કલરના ઘાઘરાનો પહેરવેશ પહેર્યો હોય તો તે યુવતી પરણીત છે. અને જો કોઇ પણ યુવતીએ લાલ કલરના ઘાઘરાનો પહેરવેશ પહેર્યો હોય તો તેનો મતલબ તેમણે હજુ સુધી ગાંઠ બાંધી નથી. તે ભાવિ ભરથારની શોધમાં છે.”

આ મેળામાં લોકોના પારંપરિક રાસ-ગરબા પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીં એકી સાથે સો-બસ્સો લોકો ગ્રુપમાં રાસ રમે છે. તેને “રાહડા” તરીકે સંબોધવામાં આવે છે. તે ઉપરાંત “હૂડો, ગરબા, દોહા, છંદ, રાસડાં ” વગેરેનું આયોજન કરવામાં આવે છે. આ બધુ અહીંની પરંપરાને અનુરૂપ રાસોત્સવમાં સમાવી શકાય. અહીં વિદેશીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે.

આ ઉપરાંત, અહીં શણગારેલા બળદગાડાઓ પણ આગવી વિશેષતા ધરાવે છે. તેમજ અહીં“ગ્રામ્ય ઓલમ્પિક” નું આયોજન કરવામાં આવે છે. જેમાં અશ્વ હરિફાઇ, બળદગાડા હરિફાઇ, ઉંટ દોડાવવાની હરિફાઇ, કબડ્ડી, કુશ્તી, લાંબી દોડ, વગેરેનું આયોજન કરવામાં આવે છે.આમ, તરણેતરના મેળા એ આપણી કલાને હજી સુધી જીવંત રાખી છે.